અમદાવાદ, તા. ૧૪
રાજ્યમાં એક તરફ ખ્યાતિકાંડના લીધે જુદી-જુદી હોસ્પિટલ ઉપર તપાસ માટે તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકારે દર્દીઓના હિતને ધ્યાનમાં રાખી તેમને રાહત આપતો વધુ એક આદેશ કર્યો છે. જેમાં રાજ્યની કોઈપણ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ તે જ હોસ્પિટલના મેડીકલ સ્ટોર્સમાંથી દવા લેવી પડશે તેવું ફરજિયાત કરી શકશે નહીં.
આ અંગે ખોરાક અને ઔષધ નિયમનતંત્રના કમિશ્નર ડો.એચ.જી.કોશિયા જણાવે છે કે તંત્રના ધ્યાન ઉપર આવ્યા મુજબ રાજ્યમાં આવેલ હોસ્પિટલો દ્વારા તેઓના હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇન હાઉસ મેડીકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે. જેથી દર્દીઓ જેનરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને આર્થિક બોજાે સહન કરવો પડે છે.
તેથી રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી’ તેવા સાઈન બોર્ડ પ્રસિદ્ધ કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવેલ છે. જેથી દર્દીઓ સરળતાથી કોઈપણ મેડીકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકે.
આ અંગે જાણવા મળ્યા અનુસાર રાજ્યમાં અનેક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જતાં દર્દીઓને તબીબો જે દવાઓ લખી આપતા હતા તે દવાઓ તેમની જ હોસ્પિટલમાં અથવા તેની બહાર આવેલા નિશ્ચિત મેડીકલમાંથી લેવાનું ફરજિયાત કરતા હતા. તેવી અનેક ફરિયાદો ઉઠ્યા બાદ આખરે આ ર્નિણય લેવામાં આવ્યો છે.