ચંદીગઢ, તા.૨૬
પંજાબના રૂપનગર પોલીસે છેલ્લા ૧૮ મહિનામાં ૧૧ લોકોની હત્યા કરનાર સિરિયલ કિલરની ધરપકડ કરી છે. આરોપી પોતાની કારમાં લોકોને લિફ્ટ આપતો હતો અને પછી લૂંટ કરતો હતો. જે લૂંટનો વિરોધ કરે તો તેની હત્યા કરતો હતો. આરોપી એટલો હેવાન હતો કે મૃતદેહ સાથે શારીરિક સંબંધ બાંધતો હતો અને પછી તેના પગ સ્પર્શ કરીને માફી માંગતો હતો. આ કેસમાં ચોંકાવનારી હકીકત એ છે કે તમામ ૧૧ મૃતકો પુરુષો હતા, જેમની સાથે આરોપી અકુદરતી શારીરિક સંબંધો બાંધ્યા હતા.
અહેવાલો અનુસાર, આરોપી પંજાબના હોશિયારપુર જિલ્લાના ચૌરા ગામનો રહેવાસી છે. તેની ઓળખ રામ સ્વરૂપ ઉર્ફે સોઢી તરીકે થઈ છે. પોલીસે ૨૩મી ડિસેમ્બરે અન્ય કેસમાં તેની ધરપકડ કરી હતી. બાદમાં પૂછપરછ દરમિયાન તે સિરિયલ કિલર હોવાનું સામે આવ્યું હતું.
પોલીસના જણાવ્યાનુસાર, આરોપી સોઢી અગાઉ પુરુષોને તેની કારમાં લિફ્ટ આપીને લૂંટ ચલાવતો હતો અને વિરોધ કરનારાઓની હત્યા કરતો. રૂપનગરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ગુલનીત સિંહ ખુરાનાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં જઘન્ય ગુનાઓના કેસોને ઉકેલવા માટે પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. હત્યાના કેસમાં સંડોવાયેલા ગુનેગારોને પકડવા માટે પોલીસ ટીમની રચના કરવામાં આવી હતી.’
કિરતપુર સાહિબમાં એક હત્યા કેસનો ઉલ્લેખ કરતા પોલીસ અધિકારીએ કહ્યું કે, ૧૮ ઓગસ્ટના રોજ લગભગ ૩૭ વર્ષના એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. તે મોદરા ટોલ પ્લાઝા પર ચા-પાણી વેચતો હતો. આ કેસની તપાસમાં રામ સ્વરૂપની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન અન્ય કેસમાં તેની સંડોવણી બહાર આવી હતી. આરોપી રામ સ્વરૂપે જણાવ્યું કે મૃતક હરપ્રીત સાથે સંબંધો હતા અને પછી તેને પૈસા આપવાની ના પાડી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો અને તેણે હરપ્રીતની હત્યા કરી નાખી.’ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી નશાનો બંધાણી છે, જેના કારણે તેના પરિવારે તેને બે વર્ષ પહેલા છોડી દીધો હતો. તે પરિણીત છે અને તેને ત્રણ બાળકો છે. આરોપીએ પોલીસને એમ પણ જણાવ્યું કે હત્યા કર્યા બાદ તેને પસ્તાવો થતો હતો, તેથી તે મૃતદેહના પગ સ્પર્શ કરીને માફી માંગતો હતો.