લોસ એન્જલસ, તા.૧૨
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં છેલ્લા ૬ દિવસથી લાગેલી આગ પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી. જેના કારણે અત્યાર સુધીમાં ૧૬ લોકોના મોત થયા છે. ઘણા લોકો ગુમ થવાની આશંકા છે. ભારે પવનને કારણે આગનો ફેલાવો વધ્યો છે. હાલમાં તે ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાઈ રહ્યો છે. અમેરિકાને આગ પર કાબૂ મેળવવામાં મદદ કરવા માટે મેક્સિકોથી ફાયર ફાઈટર્સ પહોંચ્યા છે.
આગના સંકટ વચ્ચે કેલિફોર્નિયાના સાંતા મોનિકા શહેરમાં લૂંટની ઘટના સામે આવી છે, જે બાદ વહીવટીતંત્રે કર્ફ્યુ જાહેર કર્યો છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, લોસ એન્જલસમાં આગને કારણે અત્યાર સુધીમાં આશરે રૂ. ૧૧.૬ લાખ કરોડ (૧૩૫ બિલિયન ડોલર)નું નુકસાન થવાનો અંદાજ છે. અહીં આગ પર અમુક અંશે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
આગથી ૧૬ લોકોના મોત અને ૧૨,૦૦૦થી વધુ ઇમારતો નાશ પામી ભારે પવનોએ લોસ એન્જલસમાં જંગલની આગને વધુ વિકરાળ બનાવી દીધી છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે આગમાં ઓછામાં ઓછા ૧૬ લોકો માર્યા ગયા હતા અને ૧૨,૦૦૦થી વધુ ઇમારતો નાશ પામી હતી. ફાયર ફાઇટર આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ભારે પવન તેમના કામને મુશ્કેલ બનાવી રહ્યો છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે આજે રાત્રે અને સોમવારથી શરૂ થતા અઠવાડિયાના પ્રથમ થોડા દિવસોમાં ભારે પવનની શક્યતા છે, જેનાથી આગ વધુ ફેલાવાનું જાેખમ વધી શકે છે.
લોસ એન્જલસ કાઉન્ટીના ચાર વિસ્તારોમાં જંગલની આગ ફેલાઈ ગઈ છે અને વિનાશ કરી રહી છે. પેસિફિક પેલિસેડ્સ વિસ્તારમાં સૌથી વધુ અસર થઈ છે. આગ વધારાના ૧,૦૦૦ એકરમાં ફેલાઈ ગઈ છે, જેમાં સેંકડો ઘરો બળીને ખાખ થઈ ગયાં છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ જવા મજબૂર થયા છે. ઈર્ટન અને અન્ય વિસ્તારો પણ જંગલની આગના પ્રકોપનો સામનો કરી રહ્યા છે. લોસ એન્જલસમાંથી ૧૦૦,૦૦૦થી વધુ રહેવાસીઓ વિસ્થાપિત થયા છે.
લોસ એન્જલસ કાઉન્ટી પોલીસ વિભાગે જણાવ્યું કે ૧૬ મૃતકો સિવાય ૧૩ લોકો હજુ પણ ગુમ છે. ડોગ સ્કવોડની મદદથી આગ અસરગ્રસ્ત વિસ્તારોમાં આવેલાં ઘરો અને અન્ય ઈમારતોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી પીડિતોને બચાવી શકાય અને જાે કોઈ મૃત્યુ થયું હોય તો મૃતદેહો બહાર કાઢી શકાય.
