નવી દિલ્હી, તા.૨૪
દેશમાં મોંઘવારીથી રાહત આપે તેવા બજેટની જરૂર હોવાની માગણી કરીને કોંગ્રેસે આક્ષેપ કર્યાે હતો કે મોદી સરકારની ખોટી નીતિઓને કારણે સતત વધતી જતી બેરોજગારી અને મોંઘવારીએ નીચલા અને મધ્યમ વર્ગના પરિવારો માટે જીવન અત્યંત મુશ્કેલ બનાવી દીધું છે.
કોંગ્રેસના જનરલ સેક્રેટરી ઈન્ચાર્જ કોમ્યુનિકેશન્સ જયરામ રમેશે એક મીડિયા રિપોર્ટ શેર કર્યાે હતો, જેમાં દાવો કરાયો હતો કે છેલ્લા ૧૦ વર્ષમાં કમરતોડ મોંઘવારીથી સામાન્ય લોકોના ખિસ્સા ખાલી થઈ ગયા છે.
તેમણે જણાવ્યું હતું કે મોદાણી સરકારે છેલ્લા દસ વર્ષમાં માત્ર તેના ધનિક મિત્રોની જ કાળજી લીધી છે. સરકારની ખોટી નીતિઓને કારણે સતત વધતી જતી બેરોજગારી અને મોંઘવારીએ નીચલા અને મધ્યમ વર્ગના પરિવારોનું જીવન દુષ્કર બન્યું છે.
દૂધ, લોટ, કઠોળ, પેટ્રોલ, ડીઝલ અને શાકભાજીના ભાવ આસમાનને આંબી રહ્યાં છે. દરેક ઘર પર ઇએમઆઇ અને દૈનિક જરૂરિયાતોનો બોજ વધી રહ્યો છે. દેશને હવે એવા બજેટની જરૂર છે જે ફુગાવામાં રાહત આપે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે પણ મોદી સરકાર પર તેની આર્થિક નીતિઓ પર પ્રહારો કર્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે વાસ્તવિક વિકાસ ત્યારે થાય છે જ્યારે દરેક વ્યક્તિ પ્રગતિ કરે છે, બિઝનેસ માટે યોગ્ય વાતાવરણ હોય છે, ન્યાયી કર પ્રણાલી હોય છે અને કામદારોની આવક વધે છે. રાહુલ ગાંધીએ રવિવારે ‘વ્હાઈટ ટી-શર્ટ મુવમેન્ટ’ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિકાસ મોડેલને લઈને પીએમ મોદી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘‘દિલ્હીને હવે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું વાસ્તવિક વિકાસ મોડેલ જાેઈએ, નહીં કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલનો ખોટો પ્રચાર અને પીઆર મોડેલ.’’
રાહુલ ગાંધીએ ફેસબુક પર એક વીડિયો શેયર કર્યાે, જેમાં મોંઘવારી, બેરોજગારી, પ્રદૂષણ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને ટાંક્યા છે. તેમણે ફેસબુક પર એક પોસ્ટ કરીને કહ્યું કે, ખરાબ નિર્માણ, ગંદગી, મોંઘવારી, બેરોજગારી, પ્રદૂષણ અને ભ્રષ્ટાચાર – દિલ્હીની હકીકત લોકોની સામે છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ખરાબ તબિયતને પગલે બુધવારે દિલ્હીમાં ચૂંટણી સભા યોજી શક્યા ન હતા. તેમણે વીડિયો મેસેજથી લોકોને કોંગ્રેસને વોટ આપવા અપીલ કરી હતી.
