સુરત, તા.૨૪
સુરત શહેરમાંથી સમગ્ર શિક્ષણ જગત માટે કલંકરૂપ ઘટના બની છે. આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ ૮માં અભ્યાસ કરતી ભાવના ખટીકને ફી ભરવા બાબતે વારંવાર ટોર્ચર કરવામાં આવતાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાના પરિવાજનો આક્ષેપ કર્યા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ માટે શિક્ષણ વિભાગના વર્ગ ૨ના ૫ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા બે દિવસની તપાસ બાદ રિપોર્ટ સબમીટ કર્યો છે, જેમાં મોટો ઘટસ્ફોટ થયો છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વિદ્યાર્થિનીએ ફીને લઇને નહી પરંતુ પારિવારિક કારણોસર આપઘાત કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યું છે. આ રિપોર્ટને જાેતાં લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક શાળાને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસે પણ તપાસની ખાતરી આપી હતી પણ તેમણે પણ હકિકત સામે બહાર લાવવાના પ્રયાસ કર્યા હોય તેવું લાગતું નથી. કદાચ એટલે જ ડીડીઓએ તાત્કાલિક તપાસના આદેશ આપી ટીમ બનાવી દીધી કે જેથી સમગ્ર મામલા પર ઠંડુ પાણી રેડી શકાય. આત્મહત્યાની ઘટના સામે આવી ત્યારે શાળાના આચાર્યએ નિવેદન આપ્યું હતું કે, કે ‘દીકરીને ૨-૫ મિનિટ જ બેસાડી હતી’, પરંતુ ૧૦ તારીખના સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે વિદ્યાર્થિનીએ ફી ન ભરી હોવાથી તેને પરીક્ષામાં ન બેસવા દીધી અને એકથી દોઢ કલાક સુધી કોમ્યુટર લેબમાં બેસાડી રાખવામાં આવી હતી.
સુરતમાં વિદ્યાર્થિની આપઘાત મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, મારી પાસે પ્રાથમિક તપાસ રિપોર્ટ આવ્યો છે. જેમાં શાળાની પણ ઘણી બેદરકારીઓ સામે આવી છે. શાળા પાસે પોતાનું ગ્રાઉન્ડ નથી, આ ઉપરાંત અન્ય ક્ષતિઓ પણ ધ્યાને આવી છે. ફી બાબતના મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. આ બાબતે શાળાને ગંભીર નોટિસ આપવામાં આવી છે. શાળાની આ ગંભીર ભૂલ બદલ માન્યતા કેમ રદ ન કરાય તે વાતનો ઉલ્લેખ નોટિસમાં કરાયો છે. ૮૧ મિનિટ સુધી વિદ્યાર્થીનીને ફી બાબતે ટોર્ચરીગ કરાયું હતું.
