નવી દિલ્હી, તા.૧૬
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મહાકુંભ મેળા દરમિયાન સંગમ સ્નાન કરવા માટે ભક્તોની મોટી ભીડ પ્રયાગરાજ તરફ જઈ રહી હતી ત્યારે થયેલી ભાગદોડમાં ૧૮ લોકો માર્યા ગયા અને ૨૫થી વધુ લોકો ઘાયલ થયા હતા.
દેશની રાજધાનીમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં ૧૮ લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, શનિવારે સાંજે અચાનક નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧૪-૧૫ પર નાસભાગ મચી ગઈ હતી. ભીડ વચ્ચે લગભગ ૧૮ લોકો મૃત્યુ પામ્યા. ભાગદોડની માહિતી મળતા જ પોલીસ અને ચાર ફાયર ટેન્ડરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રયાગરાજ જવા માટે લોકોની ભીડ સ્ટેશન પર પહોંચી હતી . આ દરમિયાન અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો.
નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧૪-૧૫ પર થયેલી નાસભાગમાં અનેક લોકોના મોત થયા છે. પ્રયાગરાજ મહાકુંભમાં જતા લોકો માટે રેલ્વે સ્ટેશનથી બે ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. જાેકે, આ ટ્રેનો મોડી પડવાને કારણે સ્ટેશન પર ભીડ વધવા લાગી. આ સમય દરમિયાન ઘણા લોકો ભાગદોડમાં કચડાઈ ગયા અને મૃત્યુ પામ્યા હતા. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભીડને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, પ્રયાગરાજ મહાકુંભના અંતિમ દિવસોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. દરમિયાન, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરોના આગમનને કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી. આ દરમિયાન લગભગ ૧૫ મુસાફરોની હાલત બગડી ગઈ અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એવા આરોપો છે કે ટ્રેનો મોડી પડવાને કારણે સ્ટેશન પર અંધાધૂંધી ફેલાઈ હતી.
રેલવે બોર્ડના ચેરમેન સતીશ કુમાર ઘટનાનું નિરીક્ષણ કરવા માટે રેલવે સ્ટેશન પહોંચ્યા અને આ મામલાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.
વારાણસી જતી શિવગંગા એક્સપ્રેસ પ્લેટફોર્મ પર ઉભી રહી જતાં, તેના મુસાફરો પણ પ્લેટફોર્મ પર પહોંચવા લાગ્યા. આવી સ્થિતિમાં, ભીડ વધી ગઈ અને ભીડને કાબૂમાં લેવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી, ધક્કામુક્કી શરૂ થઈ ગઈ અને અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ કારણે કેટલાક લોકો પ્લેટફોર્મ પર પડી ગયા અને ભીડમાં કચડાઈ ગયા હતા.
નાસભાગની માહિતી મળતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ સાથે ચાર ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા, પરંતુ ઘાયલોની સંખ્યા એટલી વધારે હતી કે એમ્બ્યુલન્સ મળી શકી નહીં. આવી સ્થિતિમાં, કેટલાક લોકો તો પોતાના સંબંધીઓને ઓટો દ્વારા હોસ્પિટલ લઈ ગયા હતા. લોકનાયક હોસ્પિટલ પ્રશાસને મોડી રાત્રે ૧૦ મહિલાઓ સહિત ૧૫ લોકોના મોતની પુષ્ટિ કરી હતી, જ્યારે લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ત્રણ લોકોના મોત થયા હતા. આ હોસ્પિટલોમાં ઘણા ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. મૃતકો અને ઘાયલોના સંબંધીઓ હોસ્પિટલોમાં રડી રહ્યા છે.
