મહારાષ્ટ્ર, તા.૦૫
મહારાષ્ટ્રના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે. લાંબા સમયથી જે મુદ્દે અટકળો ચાલી રહી હતી, આજે તે હકીકત બની છે. લગભગ ૨૦ વર્ષ બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આજે એક સાથે મંચ પર જાેવા મળ્યા છે, એ પણ પરિવારની સાથે. બંને ભાઈ વર્લીમાં મરાઠી વિજય દિવસ ઉજવવાના નામ પર સ્ટેજ શેર કરી રહ્યા છે. રાજ ઠાકરે તેમની પત્ની શર્મિલા અને પુત્ર અમિત ઠાકરે અને પુત્રી ઉર્વશી સાથે આ મુલાકાત માટે પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે પણ તેમના પરિવાર સાથે પહોંચ્યા હતા, જેમાં તેમની પત્ની રશ્મિ અને પુત્રો આદિત્ય અને તેજસનો સમાવેશ થતો હતો. પરંતુ, હવે સવાલ થઈ રહ્યા છે કે, આ બંને ભાઈઓનું સાથે આવવું શું કોઈ મોટો બદલાવ લાવી શકે છે?
આ દરમિયાન, રાજ ઠાકરેએ કહ્યું, “મેં મારા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારું મહારાષ્ટ્ર કોઈપણ રાજકારણ અને લડાઈ કરતાં મોટું છે. આજે ૨૦ વર્ષ પછી, હું અને ઉદ્ધવ સાથે આવ્યા છીએ, જે બાળાસાહેબ ન કરી શક્યા, તે દેવેન્દ્ર ફડણવીસે કર્યું. અમને બંનેને સાથે લાવવાનું કામ.” વધુ વાત કરતાં રાજ ઠાકરેએ કહ્યું કે, ‘અમારા બાળકો ઇંગ્લિશ મીડિયમમાં જાય છે તો મરાઠી પર સવાલ ઊભા થાય છે. અમે હિન્દી થોપવાનું સહન નહીં કરીએ. આ લોકો મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા ઇચ્છે છે, આ જ તેમનો એજન્ડા છે. પરંતુ, તેઓ આવું કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમને મરાઠી માનુસની તાકાત સમજ આવશે. તેઓ મુદ્દાને ભટકાવવાનો પ્રયાસ કરે છે. હવે તેઓ કહી રહ્યા છે કે, ઠાકરેના બાળકો અંગ્રેજીમાં ભણે છે, શું બકવાસ છે? અનેક ભાજપ નેતાઓના બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે. પરંતુ, કોઈને તેમના હિન્દુત્વ પર શંકા છે? આ ત્રિભાષા સૂત્ર ક્યાંથી લઈને આવ્યા? નાના-નાના બાળકો સાથે જબરદસ્તી કરશો?
રાજ ઠાકરેએ કહ્યું, કે ‘તમારી પાસે વિધાનસભામાં સત્તા હશે, અમારી પાસે રસ્તા પર સત્તા છે. જે બાળાસાહેબ ન કરી શક્યા એ ફડણવીસે કરી બતાવ્યું, અમને બે ભાઈઓને એક કર્યા. અમે ૧૨૫ વર્ષ સુધી મરાઠાઓએ રાજ કર્યું, અમે કોઈના પર મરાઠી થોપવાનો પ્રયાસ નથી કર્યો. મીરા રોડ પર એક શખ્સે ગુજરાતીને થપ્પડ મારી, પણ શું કોઈના માથે લખ્યું છે કે તે ગુજરાતી છે? હજુ તો અમે કશું કર્યું પણ નથી! કારણ વગર મારામારીની જરૂર નથી પણ કોઈ નાટક કરશે તો કાનની નીચે બજાવવી જ પડશે. હવે ધ્યાન રાખજાે, આવું કશું કરો ને ત્યારે વીડિયો ન બનાવતા, સમજી ગયા ને? આ લોકો મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગે છે.‘
આ સભામાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમે સાથે રહેવા માટે સાથે આવ્યા છીએ. તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘તેમણે ઉપયોગ કરીને ફેંકી દેવાની નીતિ શરુ કરી છે, તેથી હવે તેઓ તમને બહાર કાઢી દેશે. તમે બધાની શાળાઓ શોધી રહ્યા છો. મોદી કઈ શાળામાં જાય છે? હિન્દુત્વ એકાધિકાર નથી. અમે મૂળથી હિન્દુ છીએ. તમારે અમને હિન્દુ ધર્મ શીખવાડવાની જરૂર નથી. મુંબઈમાં ૯૨ના રમખાણોમાં મારાઠી લોકોએ જ હિન્દુઓને બચાવ્યા હતા. ફડણવીસે કહ્યું કે, ગુંડાગીરી સહન નહીં કરીએ, પરંતુ જાે પોતાની ભાષા માટે લડવું ગુંડાગીરી છે, તો અમે ગુંડા છીએ. ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં કહ્યું, કે ‘અમે બે ભાઈઓ સાથે રહેવા માટે જ આજે એક થયા છીએ. ફડણવીસ કહે છે કે ગુંડાગીરી સાંખી નહીં લેવાય. પણ જાે પોતાની ભાષા માટે લડવું એ ગુંડાગીરી છે, તો હા અમે ગુંડા છીએ. અમને હિન્દુ અને હિન્દુસ્તાન મંજૂર છે પણ હિન્દી નહીં. હિન્દી થોપવાનો પ્રયાસ સાંખી નહીં લેવાય. તમારી સાત પેઢી ખતમ થઈ જશે પણ અમે આવું થવા નહીં દઈએ. એક ગદ્દાર ગઈકાલે બોલ્યો કે ‘જય ગુજરાત‘. મહારાષ્ટ્ર આવતા તમામ ઉદ્યોગ ધંધા ગુજરાત મોકલી દેવાયા. આ લોકોએ ગુજરાતમાં પટેલોને ભડકાવ્યા, હરિયાણામાં જાટને ભડકાવ્યા અને સત્તા પ્રાપ્ત કરી.
