સુરત, તા.૦૫
સુરતમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો સુરત શહેર સાયબર ક્રાઈમ સેલે પર્દાફાશ કર્યો છે. આ ગેંગે ૨૩૫ કરોડથી વધુનાં બેંક ટ્રાન્ઝેક્શન અને અંદાજિત ૧૦૦ કરોડના ‘આંગડિયા‘ વ્યવહાર દ્વારા લોકોને શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આ છેતરપિંડીનો વ્યાપ એટલો મોટો છે કે જે બેંક એકાઉન્ટ મળ્યાં છે એની સામે દેશભરનાં ૨૬ રાજ્યમાં આ ગેંગ વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ છે.
દુબઈ, રાજકોટ અને સુરતના ઉત્રાણ ખાતેના પ્રગતિ આઈટી પાર્કમાં ઓફિસ ખોલીને મોટાપાયે ચાલતાં શેર ટ્રેડિંગના એક રેકેટને સાયબર ક્રાઈમ પોલીસની ટીમે શોધી કાઢીને રાજકોટના પિતા અને તેના બે પુત્રો, બીજા સાગરીતો અને ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ મળીને કુલ ૧૪ જણાં સામે ગુનો નોંધ્યો છે.
આ ટોળકી અલગ-અલગ પ્લાન બતાવીને ઊંચુ રીટર્ન આપવાની લાલચ આપીને લોકોના રૂપિયા ગજવે ઘાલીને બેંક એકાઉન્ટ તેમજ આંગડીયા મારફતે મેળવી લઈ દુબઈ મોકલી આપતા હતા. પોલીસની તપાસમાં ૨.૩૪ કરોડના આર્થિક વ્યવહારો થયા હોવાનુ જણાયું છે. છેલ્લા બે વર્ષથી આ ટોળકી શેર ટ્રેડિંગના નામે લોકો સાથે ઠગાઈ કરતી હતી. ગ્રાહકોને આકર્ષવા માટે દમણ અને થાઈલેન્ડમાં ટ્રીપ ગોઠવીને રૂપિયા ઈન્વેસ્ટ કરવા માટે દબાણ કરતા હતા. ઓફિસમાં કામ કરતા કર્મચારીના પણ ૧૫ લાખ રૂપિયા ઈન્વેસ્ટ કરીને તેને દર મહિને ૫ ટકા રિટર્ન આપવામાં આવતુ હતુ. પોલીસે આ કેસમાં ત્રણ કર્મચારીઓની ધરપકડ કરી છે.
સાયબર ક્રાઈમ પોલીસને એવી માહિતી મળી હતી કે, ઉત્રાણ વીઆઈપી સર્કલ પ્રગતિ આઈટી પાર્ક બિલ્ડીંગ બી. ઓફિસ નં.૯૧૪માં આઈવી ટ્રેડ કંપનીની વેબસાઈટ ફોરેક્સ ટ્રેડિંગમાં ઈન્વેસ્ટ કરવાથી વધુ નફો આપવામાં આવશે તેવી લોભામણી લાલચ આપીને લોકો સાથે ઓનલાઈન છેતરપીંડી કરવામાં આવી રહી છે. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસના અધિકારીઓએ ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા ઓફિસમાંથી ત્રણ કર્મચારીઓ વિશાલ ગૌરંગ દેસાઈ, અલ્પેશ લાલજી વઘાસીયા અને ઝરીત હિતેશ ગૌસ્વામી મળી આવ્યા હતા. આ ત્રણેય કર્મચારીઓની પુછપરછમાં જણાયું હતુ કે, દિપેન નવીનચંદ્ર ધાણક(હાલ રહે.દુબઈ,મુળ રહે.શીપન ઓનિક્સ વીંગ-૧ ગંગોત્રી પાર્ક, યુનીવર્સીટી, ૮૦ ફુટ રોડ,રાજકોટ) અને તેના પિતા નવીનચંદ્ર દયાલાલ ધાણક ભેગા મળીને રાજકોટના શીતલપાર્ક ખાતે પ્રીઝમ ટાવરમાં સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટના નામે ઓફિસ ધરાવે છે. હાલ આ બંને જણા દુબઈથી આ રેકેટને ઓપરેટ કરે છે. રાજકોટમાં દીપેનનો ભાઈ ડેનીશ ઉર્ફે હેમલ નવીનચંદ્ર ધાણક આ ઓફિસનુ સંચાલન કરે છે. જ્યારે ઝરીત ગૌસ્વામી, વિશાલ દેસાઈ અને અલ્પેશ વઘાસીયા સુરતની ઉત્રાણ ખાતેની ઓફિસમાં આઈવી ટ્રેડના નામે ફોરેક્સ કરન્સી ટ્રેડિંગ ઈન્વેસ્ટમેન્ટનુ કામ કરે છે.
સુરતથી ઓપરેટ થતા રેકેટમાં કસ્ટમરોને ફોન કરીને ગ્રાહકોને ઓફિસે બોલાવીને શેરમાં રોકાણ કરવા માટે અલગ-અલગ પ્લાન બતાવવામાં આવતા હતા. જેમાં ૧ લાખના રોકાણ પર મહિને ૭ ટકા પ્રોફીટ એક્સપ્રેસ ડાયમંડ પ્લાન્માં ૯ હજારથી રકમ વધારીને ઈન્વેસ્ટમેન્ટ કરે તો મહિને ૧૧ થી ૧૮ ટકા લેખે રિટર્ન આપવામાં આવશે. ૨૫ હજાર ડોલર હોય તો બ્રોન્ઝ, ૫૦ હજાર ડોલ સીલ્વર, ૧ લાખ ડોલર ગોલ્ડ, અઢી લાખ ડોલર ઈન્વેસ્ટ કર્યા હોય તો પ્લેટીનમ આપવાની લાલચ આપવામાં આવતી હતી. આ ઉપરાંત ગ્રાહકોને આકર્ષવા માટે થાઈલેન્ડ, વરાછા રીયો કાર્નીવલ અને દમણમાં ગોલ્ડ બીચ રિસોર્ટમાં પાર્ટી પણ આપવામાં આવતી હતી.
ગ્રાહકો પાસેથી મેળવેલા રૂપિયા આગડિયા અને અલગ-અલગ બેંક એકાઉન્ટ મારફતે દુબઈમાં બેઠેલા દીપક નવીનચંદ્ર ધાણક અને તેના પિતા નવીનચંદ્ર ધાણકને મોકલી આપવામાં આવતુ હતું. પોલીસની તપાસમાં ૧ વર્ષના સમયગાળામાં ૨.૩૪ કરોડના આર્થિક વ્યવહારો થયા હોવાનુ પણ જણાય આવ્યું હતું. વિશાલ દેસાઈ, ઝરીત ગોસ્વામી અને અલ્પેશ વઘાસીયાની પુછપરછમાં ૧૫ જેટલા ગ્રાહકો પાસે રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સાયબર ક્રાઈમ પોલીસે રાજકોટ ખાતે શીતલપાર્ક ચોકમાં ૧૧મા માળે આવેલી ધ એસપાયર બિલ્ડીંગમાં ડેનીસ ઉર્ફે હેમલ નવીનચંદ્ર ધાણક(રહે. શીપન ઓનીક્સ,ગંગોત્રી પાર્ક, રાજકોટ, મુળ રહે.ધ્રાપાગામ જિ.જામનગર)ની ઓફિસમાં રેડ કરી હતી. જ્યાંથી ડોક્યુમેન્ટ્સ, મોબાઈલ ફોન અને અલગ-અલગ જમીન તેમજ બિલ્ડીંગની ઓફિસના દસ્તાવેજો પણ પોલીસને મળી આવ્યા હતા. રાજકોટની ઓફિસનુ સંચાનલ ડેનીશ કરતો હતો અને સુરતની ઓફિસથી આવતા રૂપિયા આંગડીયા મારફતે દુબઈ ખાતે પિતા અને ભાઈને મોકલી આપતો હતો. જો કે પોલીસની રેડની જાણ થતાં ડેનીશના પિતા નવીનચંદ્ર અને ટ્રેડિંગ એકાઉન્ટ ઓપરેટ કરનાર હરીશ મકવાણા લેપટોપમાં તમામ ડેટા લઈને દુબઈ ભાગી ગયા હતા. આ ટોળકીની સાથે દુબઈમાં બેસીને આજ રીતે ફોરેક્સ ટ્રેડિંગ ચલાવતો અને અગાઉ સુરતમાં ઓફિસ ખોલીને દુબઈ ભાગી ગયેલો તરૂણ ટંડેલ પણ સામેલ છે.
