સુરત: ભાગળ પીરછડી રોડ ખાતે રહેતા નાનાબાવા પરિવારના યુવક સાથેના પારીવારીક સંબંધોનો લાભ લઇ શેખ દંપતિ સહિત ત્રણ જણાએ ધંધાકીય કામ માટે યુવકનો ક્રેડીટ કાર્ડ લઇ તેમાંથી વીજ બીલ, ગેસબીલ તેમજ મોબાઇલ બીલો ભરી જુલાઇ ૨૦૨૪થી ઓગષ્ટ ૨૦૨૪ સુધીમાં કુલ રૂ.૪૭.૭૬ લાખ ક્રેડીટ કાર્ડમાંથી વાપરી પેનેલ્ટી સહિત કુલ રૂ.૫૩.૭૬ લાખ નહીં ચુકવી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરીયાદ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.
મહીધરપુરા પોલીસ મથકેથી મળતી વિગત અનુસાર ભાગળ પીરછડી રોડ અય્યુબ મંઝીલમાં રહેતા અસ્ફાક અનવર નાનાબાવા ઉ.વ.૪૩ વેપારી છે. દરમિયાન તેના પારીવારિક સંબંધી યાહ્યા યુસુફ શેખ, યુસુફ શેખ અને યાહ્યાની પત્ની સાયમા શેખ (રહે. પનાવાળા એપાર્ટમેન્ટ, મોટી મસ્જીદની પાછળ) એ જુલાઇ ૨૦૨૪ થી મોબાઇલના વેપાર ધંધા માટે અસ્ફાક નાનાબાવા પાસે રૂપીયાની માંગણી કરી હતી. જાકે અસ્ફાક નાનાબાવાએ રૂપીયા આપવાની ના પાડતા તેમનો ક્રેડીટ કાર્ટ ઉપયોગમાં લેવાનું જણાવી પિતા યુસુફ શેખ તથા પુત્ર યાહ્યા અને પુત્રવધુ સાયમાએ રૂપીયા પરત કરી દેવાની જવાબદારી સ્વીકારી વિશ્વાસ કેળવી લીધો હતો. ત્યારબાદ આ ત્રણેય જણાએ અસ્ફાક નાનાબાવાના ક્રેડીટ કાર્ડ નંબર અને ઓટીપી મેળવી લઇ કાર્ડમાંથી મોબાઇલ ફોન, ગેસબીલ, લાઇટ બીલ તેમજ વેરાબીલ ભર્યા હતા. કુલ રૂ.૪૭.૭૬ લાખ ક્રેડીટ કાર્ટમાંથી વાપરી ઉપાડી લઇ પેનલ્ટી મળી ૫૬ લાખ રૂપીયા અસ્ફાક નાનાબાવાને ચુકવ્યા ન હતા. આ મામલે ગઇકાલે મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
