સુરત,તા.૧૧
શહેરના પાલ રોડ ભાઠા ગામ ખાતે આવેલા એક મકાનમાં જનરટેર ચાલુ રહી જતા એક જ પરિવારના ત્રણ આધેડ વયના સભ્યોના મોત થયા હોવાનો બનાવ બન્યો છે. કમકમાટી ભર્યા આ બનાવની જાણ પાલ પોલીસને થતા પોલીસે સ્થળ તપાસ કરી મૃતદેહનો પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી. રૂમમાં રાત્રિના સમયે જનરેટર ચાલુ રહી જવાથી મોત થયા હોવાનું પ્રાથમિક કારણ હાલ બહાર આવ્યું છે ત્યારે બનાવ અંગે પાલ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર ભાઠા ગામમાં રહેતા બાલુભાઇ પટેલ ઉ.વ.૭૭, સીતાબેન પટેલ ઉ.વ.૫૬ અને વેદાબેન પટેલ ઉ.વ.૬૦ ગઇકાલે રાત્રિના સમયે રૂમમાં સુય ગયા હતા. જાકે તેઓ જે રૂમમાં સુતા હતા ત્યાંનું જનરેટર ચાલુ રહી ગયું હતું જેને પગલે ધુમાડો રૂમમાં ફેલાય ગયો હતો. ધુમાડાને કારણે ગુંગળામણ થતા ત્રણેય જણા ઉંઘમાં જ મોતને ભેટ્યા હતા.
શ્વાસ રૂંધાવાથી મોત થવાની આ અરેરાટીપુર્ણ ઘટનાની જાણ સવારના સમયે સ્થાનિકોને થઇ હતી. તેમણે પોલીસને જાણ કરી હતી. દરમિયાન પાલ પોલીસનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી ગયો હતો. મૃતદેહને રૂમમાંથી બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ રવાના કર્યા હતા. હાલ નવી સિવિલ હોસ્પિટલમાં ત્રણેય મૃતકોના પોસ્ટમોર્ટમની તજવીજ શરૂ કરવામાં આવી છે. વધુમાં પોલીસે મૃતકોના પરિવારજનો અને સ્થાનિકોના નિવેદનો પણ લીધા હતા.
