સુરત, તા.૧૫
સુરત મહાનગર પાલિકામાં સ્વીપર મશીનની ખરીદી અને તેના મેન્ટેનન્સ પાછળ થતા ખર્ચને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ આ મામલે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને ૨૧ કરોડ રૂપિયામાં ખરીદેલા ૧૬ મશીન પાછળ ૧૦ વર્ષમાં ૨૬૫ કરોડ રૂપિયાનો જંગી મેન્ટેનન્સ ખર્ચ થવાનો આક્ષેપ કર્યો છે.
મહત્વનું છે કે, વિજય પાનસેરિયાએ આ મુદ્દે ફેબ્રુઆરી મહિનામાં મનપાને લીગલ નોટિસ મોકલી હતી, પરંતુ તેનો જવાબ ચાર મહિના બાદ જુલાઈમાં મળ્યો હતો. પાનસેરિયાએ આક્ષેપ કર્યો છે કે, મને મળેલો જવાબ એપ્રિલની તારીખ દર્શાવે છે, પરંતુ તે જુલાઈમાં આપવામાં આવ્યો છે. આ જવાબ આપવામાં શા માટે ચાર મહિનાનો વિલંબ થયો? પાનસેરિયાના જણાવ્યા અનુસાર, ૨૧ કરોડ રૂપિયાના મશીન પાછળ ૨૬૫ કરોડ રૂપિયાનો મેન્ટેનન્સ ખર્ચ, એટલે કે મશીનની મૂળ કિંમત કરતાં ૧૨ ગણાથી વધુ ખર્ચ માત્ર તેના નિભાવ પાછળ થશે, તે અત્યંત અવાસ્તવિક અને શંકાસ્પદ છે. આટલો મોટો ખર્ચ ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અને ભ્રષ્ટાચારની આશંકા ઊભી કરે છે. આ મામલે તંત્ર દ્વારા સંતોષકારક ખુલાસો ન મળતા વિવાદ વધુ વકર્યો છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ આ સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી છે, જેથી લોકોના પૈસાનો દુરુપયોગ અટકાવી શકાય અને જવાબદારો સામે કાર્યવાહી થઈ શકે. સુરત મનપાના આ વિવાદે શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.
