સુરત,તા.૧૯
આજે રક્ષાબંધનના દિવસે ઠેર-ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલની અંદર સ્ટાફ નર્સ દ્વારા રેસિડેન્ટ ડોક્ટરોને અને અન્ય મહિલા સ્ટાફ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. ત્યારે આજે ચોથા દિવસે હડતાળ પર ઉતરી વિરોધ કરી રહેલા રેસિડેન્ટ તબીબોને પણ રાખડી બાંધવામાં આવી હતી. આ સાથે જ કોલકાતાની પીડિતાને ઝડપથી ન્યાય મળે તેવી પ્રાર્થના કરી હતી.
હોસ્પિટલમાં રક્ષાબંધનની ઉજવણી કરતા સ્ટાફ નર્સે જણાવ્યું કે, આજે અમે રક્ષાબંધનના પર્વ નિમિત્તે અમારા તમામ સિવિલમાં કામ કરતા ભાઈઓના દીર્ઘાયુષ્ય અને નીલમય સ્વાસ્થ્યની કામના કરી છે. સાથે સાથે મહિલાઓની સુરક્ષા હોસ્પિટલ તેમજ હોસ્પિટલની બહાર પણ જળવાઈ રહે તેવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તાજેતરમાં પશ્ચિમ બંગાળની અંદર મહિલા તબીબ સાથે જે દુષ્કર્મમાં આચરવામાં આવ્યું છે. તે પીડિતાના પરિવારને ઝડપથી ન્યાય મળે, દરેક તબીબી ક્ષેત્ર સાથે જાેડાયેલા મહિલાઓની સુરક્ષા માટે કડક કાયદો બનાવવામાં આવે તેવી અમે અપીલ પણ કરીએ છીએ.
કોલકાતાની ઘટના બાદ સુરતના સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો હજી હડતાળ પર છે. શુક્રવારથી શરૂ થયેલી હડતાળ કેટલો સમય ચાલશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ નથી. હાલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો વિરોધ દરમિયાન અનેક પ્રકારની પ્રવૃતિઓ કરી રહ્યા છે. રવિવારે સાંજે સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનની કોર કમિટિની મિટિંગ મળી હતી. તેમાં થયેલી ચર્ચા અનુસાર પહેલા કોલકાતાની ભોગ બનેલી મહિલા ડોક્ટરને ન્યાય મળે અને બીજું કે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ ફોર ડોક્ટર્સ તાત્કાલિક લાગુ કરવામાં આવે. જ્યા સુધી અમારી માંગણી બાબતે યોગ્ય ભરોસો નહીં આપવામાં આવે ત્યાર સુધી અમે શાંતિપુર્ણ વિરોધ ચાલુ રહેશે. ઉપરાંત અમારી નજર ભારત સરકાર અને રેસિડેન્સ ડોક્ટરના ડિસકસન પર છે. ઉપરાંત ગુજરાત રાજ્યના જુનિયર ડોક્ટર્સ એસોસિએશન સાથે સંપર્કમાં છીએ.
નવી સિવિલ હોસ્પિટલની અંદર ખૂબ જ સારો માહોલ રક્ષાબંધનના દિવસે જાેવા મળતો હોય છે. નાતજાત ધર્મનો ભેદભાવ ભૂલીને મહિલા સ્ટાફ દ્વારા ડોક્ટરો સહિત અન્ય પુરુષ સ્ટાફને રાખડી બાંધવામાં આવતી હોય છે. રેસિડેન્ટ ડોક્ટરની દીર્ઘાઈઓને કામના સાથે મીઠાઈ ખવડાવી તેમનું મોં મીઠું કરી રાખડી બાંધતી હોય છે અને પુરુષ સ્ટાફ દ્વારા પણ આ દિવસને ખૂબ જ આદરપૂર્વક મનાવવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં રક્ષાબંધનની ઉજવણી સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ થકી ઉજવાતી હોય છે.