- રેકર્ડમાં ચેડાં કરીને ખેડૂત બની રજિસ્ટર દસ્તાવેજથી વેચાણ હકકે અથવા અન્ય હકકે ધારણ કરેલી તમામ જમીનો સરકાર હસ્તક દાખલ કરવા કાર્યવાહીનો નાયબ કલેકટર ( જમીન સુધારણા )એ આપેલ આદેશ
- સત્તાર હાજી હાસીમ, અમીન હાજી સત્તાર, આરીફ હાજી સત્તાર વિગેરે બિનખેડૂત હોવા છતાં રેકર્ડ ઓફ રાઈટસમાં ચેડાં કરીને ખોટી રીતે ખેડૂત બની ગયા હોય તેમને બિનખેડૂત જાહેર કરી ખેડૂતની હેસીયતથી ધારણ કરેલ તમામ જમીનો સરકાર હસ્તક કરવા ગણોત કાયદા તથા રેકર્ડમાં ચેડાં કરવા બદલ ફોજદારી કાયદા મુજબ કાર્યવાહી કરવા માંડવી મામલતદારને અધિકાર પરત્વે કાર્યવાહી કરવા સુચના
(સિટી ટુડે) સુરત, તા.૧૨
મોજે. તડકેશ્વર, તાલુકો માંડવી, જિલ્લો સુરતનાં સ. નં. ૬૪૪/૧ તથા બ્લોક નં. ૮૮૮ વાળી ખેતીની જમીનનાં સરકારી માલિકીનાં ‘રેકર્ડ ઓફ રાઈટસ’માં ચેડાં કરીને વ્હોરા કુટુંબનાં સાચાં જમીન માલિકોનાં નામ સાથે ‘સત્તાર હાજી હાસીમ’ નું નામ જુદા જ હેન્ડરાઈટીંગથી પાછળથી ગોઠવી દઈ જમીન પચાવી પાડવા અને ખોટી રીતે ખેડૂત બનવાનો ખેલ કરનાર સુરતનાં કુખ્યાત બનેલાં બિલ્ડર આરીફ દાદા અને તેનાં કુંડા પરીવાર વિરૂધ્ધ ફોજદારી કાયદા મુજબ તથા કુંડા પરીવારે ખેડુત તરીકે ધારણ કરેલી તમામ જમીનો સરકાર હસ્તક કરવા ગણોત કાયદા મુજબ કાર્યવાહી કરવા માંડવી તાલુકા મામલતદારને સુચના આપવામાં આવી છે.
‘સત્તાર હાજી હાસીમ’, ‘અમીન હાજી સત્તાર’, ‘આરીફ હાજી સત્તાર’ વિગેરેનાંઓ ખેડૂત ખાતેદાર હોવા અંગેની ચકાસણી કરી બિનખેડૂત હોવા છતાં ‘રેકર્ડ ઓફ રાઈટસ’ માં ચેડાં કરીને ખોટી રીતે ખેડૂત બની ગયાં હોઈ તેમને બિનખેડૂત જાહેર કરી ખેડૂતની હેસીયતથી રજિસ્ટર વેચાણ દસ્તાવેજથી વેચાણ હકકે ધારણ કરેલ અથવા અન્ય હકકે ધારણ કરેલ તમામ જમીનો સરકાર હસ્તક દાખલ ક૨વા ગણોત કાયદા મુજબ તથા ફોજદારી કાયદા મુજબ આપનાં અધિકાર પરત્વે નિયમોનુસાર કાર્યવાહી કરી અત્રે જાણ કરવામાં આવે તેવી સુચનાં સુરતનાં નાયબ કલેકટર (જમીન સુધારણા) આર. જે. ચૌધરી એ નં. ગણત–૨/ વશી. ૯૩૩, ૯૩૪ ૨૦૨૪, તારીખ ૦૪/૧૨/૨૦૨૪ થી માંડવી મામલતદારને કરી છે. અરજદાર શાકીર શેખ ઉર્ફે મસ્તાનની ફરીયાદ અરજી ઘ્યાને લઈને આ આદેશ આપ્યો છે.
‘સત્તાર હાજી હાસીમ’ તથા ‘અમીન હાજી સત્તાર’ તથા ‘આરીફ હાજી સત્તાર’ વિગેરે કુંડા પરીવાર મુળથી રાજકોટનાં ઘોરાજી તાલુકાનાં વતની છે. મુળ વતનનાં ગામે તેઓ પૈકીનાં કોઈ ખેતીની જમીનો જન્મજાત ધારણ કરતાં નથી. તેમ છતાં આ પરીવારે સુરત જિલ્લાનાં ગામોમાં ખેતીની જમીનો ધારણ કરી છે અને તે માટે સ૨કા૨ી રેવન્યુ રેકર્ડમાં ચેડાં કરીને ગેરકાયદેસરની રીતરસમો અપનાવી હોવાની વિગતો માંડવીનાં તડકેશ્વર ગામ તથા ચોર્યાસીનાં પોપડા ગામનાં રેવન્યુ રેકર્ડેથી મળી છે.
સને ૧૯૩૮ થી તડકેશ્વર ગામનો અસલ રેવન્યુ રેકર્ડ માંડવી મામલતદાર કચેરીમાં ઉપલબ્ધ છે અને રેકર્ડ ઓનલાઈન સરકારસ વેબસાઈટ ઉપર અપલોડ છે. રેકર્ડ જાેતાં સ્પષ્ટપણે દેખાય છે કે, સને ૧૯૪૬ ની સાલની ફેરફાર નોંધ આધારે વડીલો પાર્જિત જમીનમાં વ્હોરા કુટુંબ નાં માલિકો રહેલાં ઇબ્રાહિમ ઇસ્માઇલ મેતર તથા ફાતમા ઇસ્માઇલ મેતર નાં નામની સાથે સને ૧૯૬૮ થી સને ૧૯૮૮ સુધીનાં વર્ષોની ૭/૧૨ માં ‘સત્તાર હાજી હાસીમ’ નું નામ પાછળથી જેમ—તેમ જુદા જ અક્ષરોથી ઠસાવી દેવાયેલું છે અને અસલ જમીન માલિકો દાખલ થયાં તે ફેરફાર નોંધ નંબર ૨૧૧૫ ની વિગતોમાં પણ ‘સત્તાર હાજી હાસીમ’ બે લાઈનને વચ્ચે જુદા અક્ષરોથી લખી દેવાયું છે.
આરીફ દાદા અને તેમનાં કુંડા પરીવારે તડકેશ્વર ગામનો સરકારી રેવન્યુ રેકર્ડ જાણે બાપીકી બિલ્ડર પેઢીનાં હિસાબી ચોપડાં હોય તે રીતે અસલ ગામ નમુના નં. ૭/૧૨ તથા હકકપત્રકમાં ચેડાં કરાવ્યાં છે. રીઢાં ગુનેગારો કાયદા વિરૂધ્ધનાં કામો બેખોફ થઈને કરે તેમ સરકાર અને પોલીસ કાર્યવાહીનાં ડર વિનાં તડકેશ્વરની આ ખેતીની જમીનનાં રેકર્ડે પિતા ‘સત્તાર હાજી હાસીમ’ નું નામ જુદા જ અક્ષરે લખાવી પચાવી પાડી છે. ત્યારબાદ આ જમીનમાં ‘સત્તાર હાજી હાસીમ’ ને મૃત્યુ ગયેલાં જાહેર કરીને વારસાઈની નોંધ કરાવી છે. માતા તથા ભાઈઓ (૧) હાજરાબાઇ તે હાજી સત્તારની વિધવા (૨) હાજી યુનુસ હાજી સત્તાર, (૩) આરીફ હાજી સત્તાર, (૪) અમીન હાજી સત્તાર, (૫) શબ્બીર હાજી સત્તાર તથા (૬) ઝુબેર હાજી સત્તાર વિગેર કુંડા પરીવારનાં સભ્યો પણ તડકેશ્વરની આ ખેતીની જમીનમાં ગેરકાયદેસરનાં માલિકો અને ખોટાં ખેડૂત ખાતેદાર નોંધાઈ લાભાર્થી બની ગયાં હતાં. લાભાર્થી હાજી યુનુસ હાજી સત્તાર ને પણ અવસાન ગયેલાં જાહેર કરી રોશનબેન હાજી યુનુસ કુંડા, આસીયાબાનું હાજી યુનુસ કુંડા, સોએલ હાજી યુનુસ કુંડા, શબાનાબાનું હાજી યુનુસ કુંડા તથા ફૈસલ હાજી યુનુસ કુંડા નાં નામો વારસાઈ હકકે દાખલ કરાવી ગેરકાયદેસર રીતે આ જમીનનાં માલિક તથા ખોટાં ખેડૂત ખાતેદાર બનાવવામાં આવેલાં.
રેવન્યુ રેકર્ડમાં પિતા ‘સત્તાર હાજી હાસીમ’ નું નામ જુદાં જ હેન્ડરાઈટીંગથી લખાવી જમીનનાં માલિક તો થયાં સાથો સાથ ખેડૂતનો દરજજાે ખોટી રીતે મેળવ્યા બાદ કુંડા કુંટુંબ નાં જે કોઈ મરણ પામતું ગયું તેમનાં વારસદારો ખેડૂત બનતાં ગયાં. ખોટા ખેડૂત થઈને કુંડા કુંટુંબ એ તડકેશ્વર ગામે, પછી પોપડા ગામે, ભાણોદરા ગામે અને ત્યારબાદ રાજયભરમાં કરોડો રૂપિયાની ખેતીની જમીનો ખરીદી છે અથવા તો તડકેશ્વર જમીનની મોડસ ઓપરેન્ડી વાપરીને પચાવી પાડી હશે. પરંતુ હવે બિલ્ડર આરીફ દાદા અને તેનાં કુંડા પરીવારનાં પાપો છાપરે ચઢીને પોકારી રહયાં છે અને કુંડા કુંટુંબનાં જમીન કૌભાંડોનાં કાળાં ચોપડાંઓ હવે સરકાર અને લોકો સામે ખુલ્લા પડી રહયાં છે. કુંડા કુંટુંબનાં આવાં જમીન કૌભાંડો ઉજાગર થવાની શરૂઆત થઈ ચુકી છે.
- કુંડા કુંટુંબને આ કૌભાંડમાં કોણે કઈ અને કેટલી મદદ કરી તે હવે પોલીસ તપાસમાં બહાર આવશે?
માંડવી તાલુકાનાં તડકેશ્વર ગામનાં સરકારી માલીકીનાં ‘રેકર્ડ ઓફ રાઈટસ’ માં ‘સત્તાર હાજી હાસીમ’ નું નામ પાછળથી જુદા અક્ષરોથી કઈ રીતે લખાઈ ગયું? ‘સત્તાર હાજી હાસીમ’ લખવામાં આવ્યું તે કઈ વ્યકિતનાં હેન્ડરાઈટીંગ છે? આ રીતે સરકારી રેકર્ડમાં ચેડાં કરીને નામ લખાઈ ગયું અને કોઈની જમીનમાં માલિક ઠરાવી દેવાયાં તેમાં જે-તે સમયનાં કોઈ સરકારી અધિકારી–કર્મચારી કે રાજકારણીની કોઈ ભૂંડી ભુમીકા તો નથી ને? જાે કોઈ તલાટી કે તેનાં પાંચ નંબરીયા હેલ્પરે આ કલાકારી બતાવી હોય તો સર્કલ ઓફિસર કે મામલતદારો એ સરકારી સુચના મુજબ સમયાંતરે રેકર્ડ ચકાસણી કરી ત્યારે આ ચેડાં થયેલાં કેમ દેખાયાં નહીં? અને દેખાંયાં તો તેની સામે કેમ આંખા આડા કાન કર્યા? અને જે–તે સમયે આવું કૃત્ય કરનાંરા અને લાભાર્થી બિલ્ડર આરીફ દાદા અને કુંડા પરીવાર વિરૂઘ્ધ ફોજદારી કાર્યવાહી કેમ નહીં કરવામાં આવી? તડકેશ્વરનાં જમીનનાં કામો કરતાં ટાઉટો કે જમીન દલાલોમાંથી કોણે શું મદદગારી પુરી પાડી? આરીફદાદા અને તેનાં કુંડા કુંટુંબનાં બાંધકામ બિઝનેશમાં તેમનાં ભાગીદારમાંથી મોટી વગવાળાં કોણે આ ‘સરકારી રેકર્ડ ચેડાં કાંડ’ માં પરીવારને શું અને કેટલી મદદગારી કરી? આ અને આવાં અનેક સવાલોનાં જવાબો આ મામલે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેમાંથી મળશે. આ મામલે સરકાર સચેત રહીને અધિકારીઓની નિગરાની રાખશે અને પોલીસ વિભાગની તલસ્પર્શી તપાસ થશે તો કુંડા કુંટુંબનાં અનેક કોઠાં કબાડાં બહાર આવી શકે છે.