સુરત,તા.૧૬
કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડન્ટ ડોક્ટરો હડતાળ પર ઊતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે. જાેકે ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. હવે સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ પણ હડતાળમાં જાેડાવાનું એલાન કર્યું છે. આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના ગુજરાતના વાઈસ- પ્રેસિડન્ટ ડોક્ટર મિતેશ શાહે જણાવ્યું હતું કે આ બાબતે અમારું પૂરેપૂરું સમર્થન છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા આવતીકાલે સવારે છ વાગ્યાથી આગામી ૨૪ કલાક સુધી તાત્કાલિક સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સાથે હોમિયોપેથિક એસોસિયેશન, ગામા ( ગુજરાત આયુષ એન્ડ મેડિકલ એસોસિયેશન) સહિત વડોદરાની તમામ હોસ્પિટલોનું સમર્થન કરશે. આ ઘટના માટે તમામ એસોસિએશન એક સાથે છે અને આવતીકાલ સવારે ૬ વાગ્યાથી ૨૪ કલાક માટે સંપૂર્ણ સેવાઓથી દૂર રહેશે, આથી રવિવાર અને સોમવારે રક્ષાબંધન હોવાથી કાલથી ત્રણ દિવસ ડોક્ટરો મળશે નહીં. સુરતની સિવિલ હોસ્પિટલમાં કેટલીક ઓપીડી ચાલુ છે. જાેકે રેસિડન્ટ ડોક્ટરો આવ્યા નથી. ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ હતી. બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલમાં ૧૮ ઓપીડીમાં ફરજ બજાવતા તબીબો ઇમર્જન્સી સેવા સિવાયની તમામ સેવાઓથી વંચિત રહેશે. હાલ તબીબો મેડિકલ કોલેજ આગળ વિરોધપ્રદર્શન માટે એકઠા થયા હતા. જ્યારે અમદાવાદ અને રાજકોટમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજાેમાં મોટી સંખ્યામાં ડોક્ટરો એકત્ર થઈ વી ફોર જસ્ટિસ, તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ ડોક્ટરોએ રોષ ઠાલવી કહ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી હડતાળ પર રહીશું.