સુરત,તા.૧૦
સુરતના માંડવીમાં વધુ એક વિધર્મી દ્વારા સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. સગીરાને શાળા એ લઈ જતા અરબાઝ પઠાણ નામના વિધર્મી રિક્ષા ચાલકે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી રિક્ષાચાલકે સગીરાને ફોસલાવીને પ્રેમ સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે. સગીરા ગર્ભવતી થતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ અનેકવાર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હવે શાળાએ જતી વિદ્યાર્થિનીઓ પણ સુરક્ષિત ન હોવાનું સામે આવ્યુ છે.
માતાપિતા ભરોસો કરે તો કોના પર કરે તે મોટો સવાલ છે. રોજ શાળાએ મુકવા જતા રિક્ષા ચાલકે જ સગીરા પર નજર બગાડી દુષ્કર્મ આચર્યુ છે. ત્યારે સૌથી મોટો સવાલ છે કે દીકરીઓ પર નજર બગાડનારા આવા અસુરોને કાયદાનો કોઈ ડર કેમ રહ્યો નથી? કેમ ગુનો આચરતા પહેલા તેમને સજાનો કોઈ ડર લાગતો નથી.
સલામત ગુજરાતમાં હાલ દીકરીઓ સૌથી વધુ અસુરક્ષિત બની રહી છે. શાળાઓમાં પણ દીકરીઓ સુરક્ષિત નથી.
હજુ થોડા દિવસ પહેલા જ માંડવીની આશ્રમશાળાએ ખુદ આચાર્ય દ્વારા ૨૦ વધુ વિદ્યાર્થિનીઓ સાથે અડપલા કરવાની ઘટના સામે આવી હતી. એ પહેલા દાહોદમાં ૬ વર્ષની બાળકીની શાળાના આચાર્યએ દુષ્કર્મની ઈરાદે હત્યા કરી નાખી હતી. આ આચાર્યનું તો ભાજપ, ઇજીજી સાથે કનેક્શન પણ સામે આવ્યુ છે.
એ અગાઉ જસદણની પટેલ કન્યા કેળવણી મંડળમાં પણ સગીરા સાથે ભાજપના જ અગ્રણી દ્વારા દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે અને આરોપીનો વાળ પણ વાંકો થયો નથી. ત્યારે સવાલ અહીં સત્તાધારી પાર્ટી સામે પણ ઉઠે છે કે ભાજપ સાથે સંકળાયેલા હોય તો શું તેના તમામ ગુના માફ કરી દેવાશે ? આવા લોકોની સામે કેમ દાખલારૂપ કાર્યવાહી થતી નથી?