સુરત, તા.૧
દિવાળીના દિવસે શહેરનાં અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં હેરાન કરનારી ઘટના બની છે. દિવાળીના દિવસે સ્વજનની અંતિમવિધી માટે લઇ જવામાં આવતા પરિવારને કડવો અનુભવ થયો છે. સ્મશાન ગૃહનાં કર્મચારીએ મૃતકના સ્વજન સાથે શરમાવે તેવી વાત કરી છે. પરિવારજને તેમના સ્વજનની અંતિમક્રિયા માટેની આજજી કરી હતી તો સામે કર્મચારીનું કહેવું હતુ કે, દિવાળી છે, માણસો રજા પર છે, બપોરે પછી આવવુ જાેઈએને.
મહિલાનો મૃતદેહ લઈને પહોંચેલા પરિવારે સ્મશાનગૃહમાં જઇને કર્મચારીને આજીજી કરી હતી. તો સામે સ્મશાનના કર્મચારીએ અલગ જ તર્ક આપતો રહ્યો. મૃતદેહ લઈને જનાર વ્યક્તિએ કહ્યું, શું યમરાજ કહીને આવે છે, મરવાવાળો તો તેના સમયે જ મરશેને. તો સામે સ્મશાનના કર્મચારીએ જણાવ્યુ હતુ કે, યમરાજ સાથે મારે શું લેવાદેવા? મારે મારી સાથે લેવાદેવા. અમારી પાસે દિવાળીની રજાઓમાં માણસ જ નથી. એક જણની માતા મરી ગયા છે તો બીજાે ભાઈ રજા પર છે. બપોરે જ તમારે આવવાનું સાંજે આવી શકો ને. બીજા દિવસે તમે ગમે ત્યારે આવો અમને વાંધો નથી પરંતુ આજે નહીં. અત્યારે થોડો સમય બેસો. આ વીડિયો વાયરલ થતા સ્મશાનગૃહના મેનેજરે માફી માંગી છે. અશ્વિનીકુમાર સ્મશાન ગૃહના મેનેજરે માફી માગતા કહ્યું છે કે, જે ડાઘુ હતા તેની ઉંમર થઈ ગઈ છે. માફી માંગીએ છીએ, આવો બનાવ ફરી નહીં બને.