સુરત, તા.૦૮
રાજ્ય સરકારના જંત્રી મુદ્દે લેવાયેલા ર્નિણય સામે હવે ક્રેડાઈ લડી લેવાના મૂડમાં છે. સરકાર જાે તેમની માંગો નહીં માને તો હાઇકોર્ટથી સુપ્રીમ કોર્ટ જવા માટેની તૈયારી ગુજરાત ક્રેડાઈએ બતાવી છે. એટલું જ નહીં સુરત ક્રેડાઇ પ્રમુખ ડોક્ટર જીગ્નેશ પટેલ બાંધકામ જગતથી દૂર થઈ અન્ય રાજ્ય-દેશમાં જવાની વાત સુધી કરી દીધી છે. અત્યારે સુરતમાં ૧૦૦ જેટલા પ્રોજેક્ટ હાલ પાઇપલાઇનમાં છે, જેથી બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સૌથી વધારે અસર થવાની વાત ક્રેડાઇ કરી રહ્યું છે.
સુરતમાં ૩૨ ટીપીમાં જંત્રીના ભાવોમાં ૫૦૦ ટકાથી વધુ, ૧૨ ટીપીમાં ૪૦૦ ટકાથી વધુ અને ઓલપાડના સાંધિયેર ગામમાં ૮ હજાર ટકાનો વધારો થયો છે. આ વધારા સાથે શહેરની એવરેજ જમીનની જંત્રીના ભાવોમાં ૨૦૦ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. આ જંત્રીના આકરા નક્કી થયેલા દરોએ રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીને મોટો ફટકો લગાવવાની આશંકા છે. ક્રેડાઈ દ્વારા વાંધાઓ રજૂ કરાયા છે. સુરત ક્રેડાઈએ જણાવાયું કે, રાજ્ય સરકારને ૪૦ હજારથી વધુ વેલ્યુ ઝોનમાં જંત્રીના દર નક્કી કરવા માટે ૧૮ મહિના લાગ્યા, પરંતુ વાંધા રજૂ કરવા માટે ફક્ત ૩૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે. રાજ્યના ખેડૂતો અને સામાન્ય નાગરિકોને આ પ્રક્રિયાની પૂરતી માહિતી નથી. ક્રેડાઈના જણાવ્યા મુજબ, જંત્રીના દરો સાયન્ટિફિક રીતે નક્કી થયા છે, તે દાવા પોકળ છે. નવા દરો ખેડૂત, મિલકત ખરીદનાર અને સામાન્ય નાગરિકો પર આર્થિક ભારણ વધારશે.
ક્રેડાઈ દ્વારા આ મુદ્દે સોમવારે સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે. જાે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કોર્ટમાં જવામાં આવશે અને જરૂરી હોય તો રેલી પણ કાઢવામાં આવશે. જંત્રીના દરો અંગે મૂંઝવણને લઈ આખી રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીમાં ચિંતા છવાઈ ગઈ છે. આ ઉકેલ માટે રિયલ એસ્ટેટ સેક્ટરનો દબાવ વધે છે અને સરકાર પાસે યોગ્ય પગલાની માંગ કરવામાં આવી છે. ગુજરાત ક્રેડાઈના વાઇસ ચેરમેન જશવંતભાઈએ જણાવ્યું હતું કે, સરકારને રજૂઆત થાય તે માટે અમે આયોજન કરી રહ્યા છે. સરકારમાં જે જંત્રી બાબતની વાત સાયન્ટિફિક કરવામાં આવી છે તે તદ્દન ખોટી છે. તેઓએ કોઈ સર્વે કર્યો જ નથી. જંત્રી દર મનસ્વી રીતે વધાર્યો છે. એનો અમારો સખત વિરોધ છે. કોઈપણ સંજાેગોમાં જે જંત્રી વધારી છે તે ચલાવી લેવાય નહીં. જરૂર પડે તો અમે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું, આનાં માટે પણ તૈયારીઓ કરી છે.
સુરત ક્રેડાઈના પ્રમુખ ડોક્ટર જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, જાે સરકાર અમારી માંગો નહીં સંતોશે તો લોકોને મકાનો નહીં મળે. અમે બાંધકામ જગતથી દૂર થઈને અમે અલગ પ્રકારની અમારા ધંધાની વ્યવસ્થા કરીશું. બહુ શહેરો, બહુ રાજ્યો એવા છે જે આ ધંધો કરી શકાય. ફકત ગુજરાત જ એવું નથી જ્યાં અમે ધંધા માટે જાેડાયેલા છે. જાે સરકાર આ વાસ્તવિકતામાં નહીં આવશે તો તેની અસર સરકારને પડશે અને લોકોને પડશે.
ઉપપ્રમુખ દીપેન દેસાઈએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં જુની જંત્રીના દરમાં ડબલ વધારો કરવામાં આવ્યો હતો. અમણા જ જાણવામાં આવ્યું છે કે જંત્રીમાં ૭૦૦, ૮૦૦થી ૨૦૦૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એક ઉદાહરણ આપું તો સુરતથી ૫થી ૧૦ કિમીની અંદરના ગામ છે ત્યાં જમીનની માર્કેટ કિંમત જ તેનાથી પાંચથી છ ગણી તો જંત્રી વધારે છે. તો જે ખેડૂતને પોતાની જમીન બચાવવી હશે કે સમય આવ્યે છોકરાને ભણાવવા માટે કે દીકરા-દીકરીના લગ્ન પ્રસંદ માટે કે દીકરાને ધંધામાં સેટ કરવા માટે જમીન વેચવી હશે તો જમીન વેચી જ નહિ શકે. કારણ કે, જમીન વેચવા જશે તો માર્કટમાં જંત્રીની કિંમત જ વધારે છે. પાંચ-છ ગણી જંત્રી છે તો એ જમીન કોઈ લે. જંત્રીના કારણે સૌથી પહેલાં તો લોકો ફ્લેટ જ નહીં ખરીદી શકશે. જુનો ફ્લેટ વેચ્યો છે તો બજાર કિંમત આટલું વધારે હશે તે નવો ફ્લેટ્સ ખરીદશે કઈ રીતે? દાખલા તરીકે ૬૦ લાખ રૂપિયાના બજાર કિંમતનો ફ્લેટ છે, જંત્રી ૧ કરોડ રૂપિયા છે. આ વિસંગતામાં ફ્લેટ ક્યાંથી લોકો ખરીદશે.