- ચીંટીગના ગુનામાં સજા કાપી રહેલ ઇમ્તિયાઝ પર અન્ય ત્રણ કેદીઓ સાથે માથાકુટ બાદ હુમલો થતા સચીન પોલીસે ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઇ
(સિટી ટુડે) સુરત, તા.૦૯
સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં ૭ ડિસેમ્બરના રોજ સવારે ૧૧ઃ૩૦ વાગ્યે યાર્ડ નંબર સી-૦૮ અને બેરક નંબર ૧માં થયેલા વિવાદના કારણે ત્રણ આરોપી સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટના દરમિયાન ત્રણ કેદીએ અન્ય કેદી ઇમ્તિયાજ ઇકબાલ બચ્ચાવ પર હુમલો કર્યો હતો. જેમાં ઇમ્તિયાજ ઇકબાલ બચ્ચાવને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવાની નોબત આવી હતી. આ હુમલાખોર કેદીઓમાં અંડરટ્રાયલ કેદી કિરણ ઉર્ફે ક્રુણાલ હાવસિંહ સતુંર દેવીપુજક (યાર્ડ નંબર બી-૦૪, બેરક નંબર ૨), રવિ નટવર વસાવા (યાર્ડ નંબર બી-૦૮, બેરક નંબર ૨) અને શિવા ઉર્ફે શુભમ હિરાલાલ ચૌહાણ (યાર્ડ નંબર સી-૧૦, બેરક નંબર ૧)નો શામેલ છે. આરોપ છે કે, આ કેદીઓએ અજ્ઞાત કારણસર ઇમ્તિયાજ ઇકબાલ બચ્ચાવ સાથે વાદવિવાદ કર્યો અને તેને ધમકી આપી. ત્યારબાદ, સ્ટીલની પાતળી પટ્ટી અને સ્ટીલના ચમચા વડે તેના પર હુમલો કર્યો.ઘટનાની જાણ થતાં જ ફરજ પરના કર્મચારીઓએ આરોપીઓને અલગ કર્યા અને તેમને જેલના સુપરિટેન્ડેન્ટ ઓફિસમાં લઈ ગયા. પીડિત ઇમ્તિયાજ ઇકબાલ બચ્ચાવને જેલ હોસ્પિટલમાં તબીબી તપાસ અને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો.
આ મામલામાં લાજપોર મધ્યસ્થ જેલના ઇન્ચાર્જ જેલર ડી. બી. રાણાએ ૮ ડિસેમ્બરના રોજ ભારતીય જેલ કાયદાની કલમ ૪૫ હેઠળ એફઆઈઆર નોંધાવી છે. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને આ ઘટનાના જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. જણાવી દઈએ કે. આ કોઈ પહેલી ઘટના નથી, જ્યાં કેદીઓ વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો હોય કે એફઆઈઆર કરાવવાની નોબત આવી હોય. તેના પહેલા સપ્ટેમ્બર ૨૦૧૯માં પણ એક કેદી પર બાતમી આપવાની શંકામાં પાંચ કેદીઓએ હુમલો કર્યો હતો. આ સિવાય અન્ય મામલાઓમાં પણ મારપીટની ઘટનાઓ બનતી રહે છે.