(સિટી ટુડે) સુરત, તા.૧૨
૧૧ વર્ષ સુધી રિલેશનમાં રહ્યાં બાદ રાંદેરના યુવક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર પીડિતાએ રાંદેરના મોટાકદના બિલ્ડરે રૂપિયાની લાલચ આપીને ફરિયાદ પરત ખેંચવા દબાણ કર્યું હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે.
વિગતો અનુસાર ડિંડોલી વિસ્તારમાં રહેતી યુવતીના સમીર ઐયુબ કાકા નામના યુવક સાથે મિત્રતા હતી અને આ મિત્રતા ઘનિષ્ઠતામાં ફેરવાઈ ગઈ હતી. બંને વચ્ચે લાંબા સમયથી મેરિટલ અફેર ચાલતું હોવાની વાતો બહાર આવ્યા બાદ યુવતીએ સમીર અને તેના ઘરવાળાઓને અનેકવાર ટેલિફોનિક જાણ કરીને યોગ્ય ઘટતું કરવા ડિમાન્ડ કરી હતી પરંતુ અનિવાર્ય સંજાેગોને કારણે સમાધાન સાધી શકાયું ન હતું છેવટે થાકીને યુવતીએ સમીર, તેના ભાઈ કાસિમ, તેની માતા રૂકૈયાબીબી તેમજ બેન આમિના વિરૂદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઈપીકો કલમ ૩૭૬ (એન), ૪૦૬ તેમજ ૧૧૪ મુજબની ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસે રૂકૈયાબીબી તેમજ તેમની દિકરીની ધરપકડ કરીને કાનુની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાનમાં કોર્ટે બંને મહિલાઓને જામીન પર મુક્તિના આદેશો જારી કર્યા હતા.
આ સમયગાળા દરમિયાન યુવતી અને સમીરના કોમન મિત્ર એવા આરીફ આઝમ ભામ (રાંદેર) તેમજ તેના ભાઈ કાસિમ ભામ ૧૪મી ડિસેમ્બરના ૨૦૨૪ના રોજ પીડિત યુવતીની ઓફિસે ગયા હતા અને કેસ બાબતે સમાધાનની વાતો કરી હતી પરંતુ પહેલાંથી જ મન મક્કમ બનાવીને બેઠેલી પીડિતાએ આરિફ ભામની તમામ વાતચીત રેકોર્ડ કરી લીધી હતી અને તે પણ પોલીસ મથકે જમા કરાવીને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી જેને પગલે ડિંડોલી પોલીસે બીએનએસએસ ૩૫(૧) બી મુજબ નોટિસ ઈશ્યુ કરીને આરિફ ભામની પુછપરછ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ સમયગાળા દરમિયાન કાસિમ ભામનો સંપર્ક સાધી શકાયો નથી.
- બે વર્ષથી સમીર વિદેશમાં રહે છે
બનાવ સંદર્ભે હકીકત જાણવા મળ્યા મુજબ બંને વચ્ચેના મેરિટલ અફેર અંગેની વાતો બહાર આવ્યા બાદ સમીર પણ વિદેશ નાસી છુટ્યો છે. લાંબા સમયથી વિદેશમાં સેટલ થઈ ગયેલા મોટાભાઈ કાસીમ સાથે વિદેશ સેટલ થયેલો સમીર પીડિતાને યોગ્ય પ્રતિસાદ આપતો ન હોવાથી પીડિતાએ તેના ઘરના મોટાભાગના તમામ સભ્યોને કોલ કર્યા હતા અને સમીર સાથે વાત કરાવવા આગ્રહ સેવ્યો હતો પરંતુ સમીર તેના સંપર્કવિહોણો થઈ જતાં આખરે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
- મોટાભા બનવાની દોડ ભારે પડી
દરેક કામમાં મોટાભા બનવાની દોડ કાસિમ ભામને પણ ભારે પડી રહી છે. આ તો પોલીસે નરમ વલણ અખત્યાર કરીને માત્ર નોટિસ દ્વારા જ બંને ભાઈઓને કડક ચેતવણી આપી દીધી છે. આજ પર્યત આવું કોઈ કૃત્ય કરવામાં આવશે તો સીધી ધરપકડ કરીને જેલના સળીયા પાછળ નાંખી દેવામાં આવશે એવી પોલીસ દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. કલમ ૩૫(૬) હેઠળ ધરપકડ કરવાની પોલીસને સત્તા મળેલી છે. યતીમખાના સોસાયટીમાં પણ મનનું ધાર્યું પાર પાડી રહેલા કાસીમ ભામ અને વર્તમાન પ્રમુખ કૌભાંડીઓને સજા કરાવવાના પ્રચાર સાથે સત્તા પર આવ્યા હતા પરંતુ તેમની બે ટર્મ પતી ગયા બાદ પણ લાજપોર જમીનનો કેસ એમ ને એમ પેન્ડિંગ રહ્યો છે જ્યારે પ્રેસિડન્ટ પ્લાઝા (મહાવીર હોસ્પિટલની બાજુમાં, રિંગરોડ)ની બિલ્ડીંગની ગૂંચ પણ હજુ ઉકેલાઈ નથી. બીજી તરફ સિટી વિસ્તારમાં મસમોટું પ્લોટ હોવા છતાં પાર્ટી પ્લોટનું આયોજન કરીને યતીમખાના સોસાયટીની તગડી રકમ પ્લોટ બનાવવા પાછળ ખર્ચી કાઢી હતી તેની સામે આવકના યોગ્ય ઠેકાણા નથી. ધોળું હાથી પાળી રહેલી સોસાયટીના કોઈ હોદ્દેદાર કાસિમ ભામની નીતિ સામે અવાજ ઉપાડવા સક્ષમ નથી. આવા સંજાેગોમાં યતીમખાના સોસાયટીનું ઉદ્દેશ સાર્થક થતું નથી.
- પુરાવા સાથે ચેડાં સંદર્ભે કડક સૂચના
પોલીસ દ્વારા પાઠવવામાં આવેલી નોટિસ મુજબ આરિફ ભામને કડક શબ્દોમાં ચેતવણી ઉચ્ચારતા ડિંડોલી પોલીસે જણાવ્યું છેકે, ભવિષ્યમાં આ પ્રકારના ગુન્હો કરવામાં આવશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય કેસના સાંયોગિક પુરાવા સાથે ચેડાં કરવાથી પણ દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય અન્ય આઠ સુચના આપીને પોલીસે આરિફને ચેતવણી ઉચ્ચારી છેકે આમાંથી એકપણ લાઈન ક્રોસ કરી તો કલમ ૩૫(૬) હેઠળ ધરપકડ કરી લેવામાં આવશે.