સુરત, તા.૧૨
૧૦ જાન્યુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટે ઉત્તરાયણમાં વપરાતી ચાઈનીઝ દોરી, તુક્કલ સાથે કાચવાળી દોરીનાં ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ખરીદવા અને વાપરવા પર પ્રતિબંધ ફરમાવતો નિર્દેશ આપ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા પણ પતંગ બજારોમાં ચેકિંગ હાથ ધરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં વડોદરા પોલીસે કાચથી પતંગનો દોરો માંજતા ૩૦થી વધુ કારીગરો-વેપારીઓ પાસેથી ૧૦૦ કિલોથી વધુ કાચનો પાઉડર અને ૫૦થી વધુ ફીરકીઓ કબજે કરીને પહેલી વખત ગુનો દાખલ કર્યો છે. જ્યારે સુરત પોલીસે છેલ્લા ૨૨ દિવસમાં પ્રતિબંધિત પતંગ-દોરીનું સહિતની વસ્તુઓનું વેચાણ કરતા ૫૯ વેપારી સામે કેસો કરી ૫૮ વ્યક્તિની અટકાયત કરી છે.
સુરતમાં તા. ૨૧મી ડિસેમ્બર, ૨૦૨૪થી તા.૧૨મી જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં શહેરમાં ચાઈનીઝ દોરી, તુક્કલ, સહિત અન્ય પ્રતિબંધિત વસ્તુઓ વેચાણ કે સંગ્રહ કરનાર વ્યક્તિઓ પર વોચ રાખીને સ્થાનિક અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં મળી કુલ ૫૯ કેસો કરીને ૫૮ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ કેસમાં સૌથી વધુ અમરોલી અને વરાછા પોલીસ સ્ટેશનમાં ૮-૮ કેસો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ૬ કેસ, કાપોદ્રા અને ખટોદરામાં ૫-૫ કેસો, જ્યારે પુણા, પાલ, જહાંગીરપુરા, ઉત્રાણ અને સિંગણપોરમાં ૨-૨ કેસો મળી કુલ ૨૩ પોલીસ સ્ટેશનમાં ૫૯ કેસો કરવામાં આવ્યા હતા.
ડભોલી સિંગનપોર પોલીસે પ્રતિબંધિત પતંગની દોરી વેચતા ૪ શખ્સોને ઝડપી પાડ્યા છે. ડભોલી પોલીસ દ્વારા ૭ ફીરકી તેમજ દોરી બનાવવામાં વપરાતી સામગ્રી મળી ૨૭૦૦ રૂપિયાના મુદ્દામાલને જપ્ત કરી ગુનો નોંધ્યો છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી તેમજ ઉત્પાદન કરેલ ચાઈનીઝ બોબીન ૧૫૨, કાચનો ભુક્કો ૧૮,૬૦૦ કિગ્રા, ફીરકી નંગ ૧૭, એક બાઈક તેમજ ૨૫૦ ચાઈનીઝ તુક્કલ મળી કુલ કિંમત રૂ. ૧.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ, સુરત શહેર પોલીસે સ્થાનિક ૨૪ પોલીસ સ્ટેશનોમાં કુલ ૫૯ કેસો કરી ૫૮ આરોપીની અટકાયત કરીને દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
