(સિટી ટુડે) ડાંગ/આહવા, તા.૦૨
ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાં આજે વહેલી સવારે ૩૫ ફૂટ ઊંડી ખીણમાં એક ટ્રાવેલ્સ બસ ખાબકતા ૫ મુસાફરોના મોત નિપજ્યા છે. જ્યારે ૪૫ મુસાફરો ઘાયલ થતા ૨૧ને સારવાર માટે ડાંગની હોસ્પિટલમાં જ્યારે ૨૪ મુસાફરોને ગંભીર ઈજા થતા સુરત સિવિલમાં ખસેડાયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત સિવિલ પહોંચ્યા હતા અને મુસાફરોના ખબરઅંતર પૂછ્યા હતા. સાપુતારાથી અઢી કિલોમીટર તરફ જતાં રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટહાઉસની સામેના ઘાટમાં નાશિક તરફથી આવતી ખાનગી બસ ૩૫ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ બસમાં ૫૦ લોકો સવાર હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેક્ટરે ઘટનાસ્થળે પહોંચી બચાવ અને રાહતકાર્ય હાથ ધર્યું હતું.
સાપુતારા પાસે ૩૫ ફૂટ ઊંડી ખીણમાં ૫૦ મુસાફરો સાથેની બસ ખાબકતા ૫ના મોત નિપજ્યા હતા. જ્યારે ૪૫ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી ૨૧ને ડાંગની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે ૨૫ને વધુ ઈજા હોય સુરત ખસેડવાની ફરજ પડી હતી. સુરત સિવિલમાં દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા અને મુસાફરોના ખબર અંતર પૂ્છ્યા હતા. ઘટનાના પગલે સુરત કલેકટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાપુતારા નજીક એક મોટી દુર્ઘટના સામે આવી છે, જ્યાં ધાર્મિક યાત્રા કરીને પરત ફરી રહેલી ખાનગી બસ ૩૫ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ગંભીર અકસ્માતમાં બે મહિલા અને ત્રણ પુરુષ મુસાફરના મૃત્યુ નીપજ્યાં હતા. બસમાં ૫૦ લોકો સવાર હતા. આ તમામ મધ્યપ્રદેશ જિલ્લાના ગુના, શીવપુરી અને અશોકનગરના રહેવાસી છે.
ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલે જણાવ્યું હતું કે, આજ રોજ સવારે ઘાટમાં એક અકસ્માતની ઘટના બની છે. જેમાં પાંચ લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશના ત્રણ જિલ્લામાંથી ૪ બસ ધાર્મિક પ્રવાસે નીકળી હતી. જેમાંથી એક બસ ખીણમાં ખાબકી હતી. ટેકનીકલ કારણસર બસ ખીણમાં ખાબકી હોય તેવું લાગી રહ્યું છે. ઘટનાના થોડાં સમય પહેલાં જ બસ ચા-નાસ્તા માટે નજીકમાં જ રોકાઇ હતી.
ગુજરાત રાજ્ય નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલે જણાવ્યું હતું કે, ઘાટમાં થયેલા અકસ્માતમાં એક લકઝરી બસ ખાઇમાં ખાબકી હતી, જેમાં ૫ લોકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું. સાથે જ સ્થાનિક લોકોએ પણ સારો સાથ સહકાર આપ્યો હતો. આમ આ તમામ લોકોની મદદથી ઘાયલોને રેસ્ક્યૂ કરી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલે જણાવ્યું હતું કે, વહેલીસવારે માલેગામ સાપુતારા રોડ વચ્ચે વળાંક આગળ બસ ખીણમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ તમામ પોલીસસ્ટાફ અને કલેક્ટર તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. જ્યાં બધાને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ, કમનસીબે ૫ લોકોના મોત થયા હતા. ૨૩ ડિસેમ્બરે આ લોકો પ્રવાસે નીકળ્યા હતા, જ્યાંથી પરત ફરતા સમયે આ ઘટના ઘટી હતી. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને બચાવી લેવાયા છે. હાલ બધા ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે. જાે કે, ડ્રાઇવરનું મોત થયું છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે, બસ સીધી ૩૫ ફૂટ ઊંડી ખીણમાં જઈને પડી હતી, જેથી બસનું પડીકું વળી ગયું હતું. આ દુર્ઘટનામાં અનેક મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સ્થાનિક પોલીસ અને તાત્કાલિક સેવાઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
૦૦૦