સુરત, તા.૩૦
સુરત પ્રાદેશિક વાહન-વ્યવહાર કચેરી ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા આવતા અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયાથી માંડીને ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પરની અવ્યવસ્થા સુધીની અનેક સમસ્યાઓથી લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. વારંવાર એપોઇન્ટમેન્ટ કેન્સલ થવી, કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા પછી પણ નિરાશા મળવી અને આરટીઓ તંત્ર દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળવા જેવી ફરિયાદો સામાન્ય બની ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત આરટીઓ ખાતે રોજ ૪૦૦થી વધુ ડ્રાઇવિંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટ આવતી હોય છે.
છેલ્લા દસ દિવસથી અનેક અરજદારો લાયસન્સ મેળવવા માટે આરટીઓ ના ધક્કા ખાઈ રહ્યા છે. તેઓનો આક્ષેપ છે કે તેમને કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. આરટીઓ ટેસ્ટ ટ્રેકની બહાર વાહનચાલકોની લાંબી કતારો જાેવા મળે છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા પછી જ્યારે તેમનો નંબર આવે છે, ત્યારે કાં તો એપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ જાય છે અથવા તો ટેસ્ટ ટ્રેક પરના કેમેરા બંધ થઈ જાય છે.
વળી, સર્વર ડાઉન થવાની સમસ્યા પણ અરજદારો માટે માથાનો દુખાવો બની ગઈ છે. કલાકો સુધી રાહ જાેયા પછી પણ સર્વર ડાઉન થતાં ટેસ્ટ આપી શકતા નથી. આ ઉપરાંત, વરસાદના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર પાણી ભરાઈ જવાના કિસ્સામાં પણ ટેસ્ટ અચાનક બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે અરજદારોનો સમય અને મહેનત વેડફાય છે.આરટીઓ તંત્ર દ્વારા સ્માર્ટ ટેકનોલોજીના ઉપયોગની વાતો કરવામાં આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિ જાેતાં આ માત્ર કાગળ પરની વાતો જ હોય તેમ લાગી રહ્યું છે. અરજદારોની માંગ છે કે આરટીઓ તંત્ર આ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવે અને લાયસન્સ પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવે જેથી લોકોને વારંવાર ધક્કા ખાવામાંથી મુક્તિ મળે. સુરત આરટીઓ ખાતે ગત અઠવાડિયા દરમિયાન સર્વર એકદમ જ બંધ હતું. જ્યારે આજથી પણ સર્વરના ધાંધિયા છે. રોજ સુરત આરટીઓ ખાતે ટુ-વ્હીલરની અઢીસો અને ફોર-વ્હીલની ૧૫૦ જેટલી એપોઇન્ટમેન્ટ આવતી હોય છે. છેલ્લા દસ દિવસથી આ સર્વર બંધ હોવાના કારણે ૪,૦૦૦ જેટલા અરજદારોને હેરાન થવાનો વારો આવ્યો છે.
