ગાંધીનગર, તા.૭
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા હાઈવે, ગ્રામીણ અને શહેરી માર્ગો તેમજ પુલોની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સમીક્ષા કરી હતી. તેમણે યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી હાથ ધરીને માર્ગોને પુન: પૂર્વવત કરવા અને કામોમાં ગુણવત્તા જળવાય તેની ખાતરી કરવા અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, માર્ગો-પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ જાેવી જાેઈએ નહીં. તેમણે તાકીદ કરી હતી કે, “વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિતમાં રિપેરિંગ કામગીરી ચાલુ જ રહે.” આ દિશાનિર્દેશો દર્શાવે છે કે સરકાર માર્ગોની સ્થિતિ સુધારવા માટે કેટલી ગંભીર છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, “જે કામોમાં ડિફેક્ટ લાયાબિલિટી પિરિયડ દરમિયાન નુકસાન થયું હોય કે, મરામતની જરૂર પડી હોય તેવા કિસ્સામાં કોન્ટ્રાક્ટરની જવાબદારી ફિક્સ કરીને પગલાં લેવાવા જ જાેઈએ.” આ સૂચન ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના કામો સામે લાલ આંખ કરવા સમાન છે. તેમણે કામો ગુણવત્તાયુક્ત થાય તે સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂક્યો હતો.
બેઠકમાં રાજ્યની મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો પણ વીડિયો કોન્ફરન્સથી જાેડાયા હતા. મહાનગરોમાં રસ્તા, અંડરબ્રિજ અને વોટર લોગિંગ જેવી સમસ્યાઓ જ્યાં છે, ત્યાં ઝડપથી મરામત કામગીરી હાથ ધરવા સૂચનો કર્યા હતા. એટલું જ નહીં, શહેરોમાં આ સમસ્યાઓના લાંબાગાળાના નિવારણ માટેના ઉપાયો હાથ ધરવાનું આયોજન કરવા પણ સૂચન કર્યું હતું.
માર્ગ અને મકાન વિભાગ, પંચાયત, નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સંકલન સાધીને ટીમવર્કથી કામગીરી કરવાના સૂચનો કર્યા હતા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાવા, પુલો-નાળા-કોઝવેને નુકસાન કે ડામર રોડને નુકસાન જેવી બાબતો તાત્કાલિક ધ્યાન પર લેવાવી જાેઈએ. આ હેતુસર, ગાંધીનગરમાં નિર્માણ ભવન ખાતે કાર્યરત ૨૪ટ૭ કંટ્રોલ રૂમને માહિતી મળે કે તરત જ સંબંધિત અધિક્ષક, કાર્યપાલક, નાયબ ઈજનેરને સ્થળ પર જઈને મરામત માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. રાજ્યના માર્ગો, પુલો અને હાઈવેની પ્રવર્તમાન સ્થિતિ અંગે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જે માર્ગોને વરસાદને કારણે અસર થઈ છે ત્યાં મોટા ભાગે સ્ટ્રક્ચર અને બ્રિજની કામગીરી પ્રગતિમાં છે. ૨૪૩ જેટલા પુલો પર આવી કામગીરી હાથ ધરી તેના ડાયવર્ઝનનું સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ વર્ષે ચોમાસા દરમિયાન નેશનલ હાઈવેને જે ૮૩ કિલોમીટરમાં નુકસાન થયું છે તેમાંથી ૫૮ કિલોમીટરમાં મરામત કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકીના ૨૫ કિલોમીટરનું કામ ત્વરાએ પૂર્ણ કરી દેવાશે. રાજ્ય સરકાર નાગરિકોના જનજીવનમાં માર્ગોની મરામતોમાં વિલંબને કારણે કોઈ રૂકાવટ ન આવે અને કામો સમયબદ્ધ તેમજ ગુણવત્તાયુક્ત ધોરણે થાય તે માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેમણે સંબંધિત વિભાગોને તત્કાલ મરામત કામો હાથ ધરીને લોક અપેક્ષા સંતોષવા મુખ્યમંત્રીએ સૂચના આપી હતી.