વડોદરા, તા.૯
વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ ૭ વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જાેવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩ લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે ૧૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જાેડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જાેડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઇક સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે. આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વીડિયો શેર કર્યા હતા.
બ્રિજ ધરાશાયી થઈ જવાને કારણે મોટાપાયે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. જેને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાએ ટ્રાફિકનો નિકાલ લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રને અપીલ કરી હતી. આ બ્રિજનું નામ ગંભીરા બ્રિજ હોવાની જાણકારી મળી છે. નદીમાં ખાબકેલા વાહનો પાસે એક મહિલા મદદ માટે કરગરતી દેખાઈ હતી. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને આકલાવના ધારાસભ્ય ચાવડા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને કનેક્ટ કરે છે અને આ બ્રિજની હદ વડોદરા જિલ્લામાં આવતી હોવાથી તંત્રએ કામગીરી હાથમાં લીધી છે. તેમણે જણાવ્યું કે બ્રિજ તૂટવાની ઘટના બાબતે પોલીસને જાણકારી આપી દેવામાં આવતી હતી. હાલ બ્રિજ તૂટવાના કારણે પાંચ જેટલા વાહનો નદીમાં પડ્યા છે અને એક ટ્રક લટકતી છે. બંનેની જાણ કરી દેવામાં આવી છે.
આ બ્રિજ મહિસાગર નદી પર આવેલો છે. તેનું નિર્માણ ૧૯૮૫માં પૂર્ણ કરાયું હતું. બ્રિજ ધરાશાયી થતાં જ માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારીની પોલ ખુલી ગઈ છે કેમ કે સરકારે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી અને નવા બ્રિજ માટે સરવે પણ હાથ ધરાયો હતો પરંતુ આ બ્રિજની હાલત જર્જરિત થઈ ગઈ હોવા છતાં તેને બંધ નહોતો કરાયો.
સ્થાનિકોએ આરોપ મૂક્યો કે આણંદ અને વડોદરા જિલ્લાને જાેડતો ગંભીરા બ્રિજ ભાજપના શાસનમાં જાળવણીના અભાવે તૂટી પડ્યો. ગુજરાત માર્ગ અને મકાન વિભાગની ૨૫ વર્ષના આયુષ્ય અવધિ સાથે બનાવેલો બ્રિજ આજે ૪૫ વર્ષે તૂટી પડે અને લોકો મોતને ભેટે એની રાહ જાેતી ભ્રષ્ટાચારમાં લિપ્ત ભાજપ સરકારને કુદરતનો વધુ એક તમાચો છે.
ઘટનાસ્થળેથી સામે આવેલા દૃશ્યો અનુસાર સ્થાનિકોએ બચાવ કામગીરી શરુ કરી દીધી છે. ફાયરબ્રિગેડની ટીમ પણ આવી પહોંચી છે. આ મામલે અમિત ચાવડાએ તંત્રને ઘેરતાં અનેક સવાલો પણ ઊઠાવ્યા હતા. બે પિકઅપ વાન, એક ઈકો, ટુ વ્હિલર અને ટ્રક નદીમાં ખાબક્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર માહિતી આપતા જણાવ્યુ છે કે, આણંદ વડોદરાને જાેડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના મનને અત્યંત વ્યથિત કરનારી છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને ૪ લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. તેમજ, દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ પ્રત્યેકને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય, ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આજે સવારે એટલે ૯મી જુલાઈના રોજ વડોદરા જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. આણંદ અને વડોદરાને જાેડતા ગંભીરા બ્રિજના ૨૩ ગાળા પૈકીનો ૧ ગાળો તૂટી પડવાથી દુ:ખદ દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં હાલ નવ લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યુ છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે જેમની સારવાર ચાલી રહી છે. આ પુલ અધવચ્ચેથી તૂટી પડતાં જ પાંચેક જેટલા વાહનો સીધા નદીમાં પડી ગયા હતા. જેમાં એક ટ્રક અને એક પિકઅપ વાહનનો પણ સમાવેશ થાય છે.
આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માહિતી આપી છે કે, વડાપ્રધાન મોદીએ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને આણંદ-વડોદરાને જાેડતા ગંભીરા બ્રિજની થયેલી દુર્ઘટના અંગે સંપૂર્ણ વિગતો મેળવીને આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે આ દુર્ઘટનામાં જે લોકો ઈજા પામ્યા છે તેમની સારવાર માટેની ચિંતા કરીને સારવાર પ્રબંધ અંગેની જાણકારી પણ મેળવી હતી. વડાપ્રધાનએ બચાવ અને રાહત કામગીરી અંગે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિગતો પણ મેળવી હતી.
