સુરત, તા.૧૩
સુરતમાં ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિમાં ખાડીના પાણી ગામો અને શહેરોમાં ઘૂસી જતાં સર્જાયેલા વિનાશ બાદ આખરે તંત્ર એક્શનમાં આવ્યું છે. જાનહાનિ અને કરોડો રૂપિયાના નુકસાન પછી તંત્રની ઊંઘ ઊડી છે, અને હવે ખાડી પરના નડતરરૂપ બ્રિજાેને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી, જે ઘણા સમય પહેલા થવી જાેઈતી હતી. આ કાર્યવાહી દર્શાવે છે કે, તંત્ર હંમેશા કુદરતી આફતોના નિવારણ કરતાં તેના પરિણામો ભોગવ્યા પછી જ જાગે છે.
મહત્વનું છે કે, વરસાદી પાણીના પ્રવાહને અવરોધતા આ બ્રિજાે અને ખાડી આજુબાજુના દબાણો દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. વર્ષોથી બેરોકટોક થતા દબાણો સામે આંખ આડા કાન કરનાર તંત્રને હવે લોકોના રોષ અને નુકસાનનો સામનો કરવો પડતાં કાર્યવાહી કરવાની ફરજ પડી છે. આ દબાણો જળનિકાલમાં સૌથી મોટી અડચણરૂપ હતા અને તેના કારણે જ પાણીનો ભરાવો થયો હતો. એટલું જ નહીં, ખાડીની આસપાસ કચરાના ઢગલા પણ જાેવા મળ્યા છે. આ કચરો માત્ર પર્યાવરણને જ નુકસાન પહોંચાડતો નથી, પરંતુ તે ખાડીના પ્રવાહને પણ અવરોધે છે, જેના કારણે પાણીનો ભરાવો વધુ ગંભીર બને છે. આ કચરાના ઢગલા તંત્રની સ્વચ્છતા પ્રત્યેની બેદરકારી અને નાગરિકોની પણ પર્યાવરણ પ્રત્યેની ઉપેક્ષા દર્શાવે છે. આ “એક્શન” મોડ ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે ભવિષ્યમાં આવી આફતો ન સર્જાય તે માટે કાયમી ઉકેલો લાવવામાં આવે. માત્ર તાત્કાલિક પગલાં ભરવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. તંત્રએ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળવા માટે લાંબા ગાળાનું આયોજન કરવું પડશે અને દબાણો સામે કડક હાથે કામ લેવું પડશે, નહીં તો આગામી વરસાદની ઋતુમાં ફરીથી આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. શું તંત્ર આમાંથી બોધપાઠ લઈને ખરેખર કાયમી સમાધાન તરફ આગળ વધશે કે પછી માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરીને સંતોષ માનશે?
સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાડી પુરની સમસ્યા આવી રહી છે લાખો લોકોની હેરાનગતિ થાય છે અને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. હાલમાં આ ખાડી પુર નિવારણ માટે કમીટી બનાવવામા આવી છે આ કમિટીના અધ્યક્ષ મ્યુનિ. કમિશ્નરની નિમણૂંક બાદ પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. પાલિકાએ ગઈકાલથી ખાડીના પાણીને અવરોધતા ગેરકાયદે બનેલા કલવર્ટ અને ખાડીના પાણીને અવરોધતા પુરાણ દુર કરવાની કામગીરી હાથ ધરી છે. જાેકે, કામગીરી દરમિયાન પાલિકા સામે અનેક પડકારો આવી રહ્યા છે. સુરત પાલિકા વિસ્તારમાંથી પસાર થતી ખાડી પર અનેક વખત પુર આવી રહ્યા છે અને લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થતાં લોકોનો આક્રોશ વધી રહ્યો છે. આ ખાડી પુરના નિવારણ માટે લાંબા અને ટૂંકા ગાળાનું આયોજન કરવા માટે કમિટી બનાવવાની સૂચના મંત્રી દ્વારા આપવામાં આવી હતી. સુરત મનપાના પાંચ અધિકારીઓ સહીત કુલ ૧૯ સભ્યોને સ્થાન આપવામાં આવ્યું હતું. આ કમિટીના અધ્યક્ષ તરીકે સુરત પાલિકા કમિશનર નિયુક્ત થતાની સાથે જ પાલિકા તંત્ર એકશનમાં આવી ગયું છે અને ખાડીમાં દબાણ દુર કરવા સાથે સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જાેકે, આ કામગીરી દરમિયાન નવા નવા પડકાર પાલિકા સામે આવી રહ્યાં છે.
