નવી દિલ્હી, તા.૧૩
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર. ગવઈએ શનિવારે ભારતની ન્યાય પ્રણાલીમાં નડી રહેલા પડકારો વિશે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, ભારતની ન્યાય પ્રણાલી એક અલગ પ્રકારના પડકારોનો સામનો કરી રહી છે, જેને દૂર કરવાની તાતી જરૂરિયાત છે. તેમણે ન્યાય આપવામાં થઈ રહેલા વિલંબ પર સંકેત કર્યો હતો. વર્ષો સુધી ચાલતી કેસની ટ્રાયલ્સ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.
હૈદરાબાદની નાલસર યુનિવર્સિટી ઓફ લૉ ખાતે દિક્ષાંત સમારોહમાં બોલતાં સીજેઆઈ ગવઈએ જણાવ્યું કે, અંડર ટ્રાયલના કેદીઓ માટે વર્ષોથી ચાલતી ટ્રાયલ્સ ગંભીર સમસ્યા બને છે. વર્ષો બાદ તેમને કેદમાંથી નિર્દોષ છોડવામાં આવે ત્યારે આ સમસ્યા અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. આ કાયદા-વ્યવસ્થામાં સુધારાની જરૂર છે.
ગવઈએ આગળ કહ્યું કે, ભલે હું તારણ કાઢું કે, આપણી કાયદાકીય વ્યવસ્થા ખરાબ છે, અને તેને સુધારવાની જરૂર છે. પણ અંતે તો હું પણ ભવિષ્ય માટે આશાવાદી છું કે, મારા સાથી નાગરિકો આ પ્રકારના પડકારોમાંથી મુક્ત થશે. જસ્ટિસ ગવઈએ ભારતીય ન્યાયતંત્ર માટે રોડા સમાન સૌથી મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રકાશ પાડતાં કહ્યું કે, ટ્રાયલમાં વિલંબ ક્યારેક દાયકાઓ સુધી ચાલી શકે છે. જે કાયદો અને વ્યવસ્થાને બિનઅસરકારક બનાવે છે. આ વિલંબના કારણે માણસે ઘણુ બધું ચૂકવવુ પડે છે. જેમકે, નિર્દોષ હોવા છતાં લાંબી ટ્રાયલના કારણે ઘણા વર્ષો બાદ જેલમાંથી મુક્તિ મળે છે. વધુમાં જસ્ટિસ ગવઈએ કાયદાના વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે, આપણું શ્રેષ્ઠ કૌશલ્ય એ છે કે, આપણે ન્યાય પ્રણાલીમાં નડતી સમસ્યાઓને દૂર કરી શકીએ. આગામી પેઢીના લીગલ પ્રોફેશનલ્સને વિનંતી છે કે, તેઓ પ્રામાણિકતા અને પ્રતિબદ્ધતા સાથે સિસ્ટમમાં નડી રહેલા પડકારો દૂર કરવાની જવાબદારી લે. તદુપરાંત સીજેઆઈએ કાયદામાં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, વિદેશ જઈને અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓએ પરિવાર પર બોજાે વધારવાના બદલે સ્કોલરશિપ પર ધ્યાન કેન્દ્રિત કરવુ જાેઈએ. જેથી પરિવારે નાણાકીય ભીડનો સામનો ન કરવો પડે. આ દિક્ષાંત સમારોહમાં તેલંગાણા હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ સુજાેય પોલ, તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી, અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પીએસ નરસિમ્હા પણ ઉપસ્થિત હતાં.
