નવી દિલ્હી, તા.૨૩
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેના ભૂતપૂર્વ પ્રમોટર ડિરેક્ટર અનિલ અંબાણીને ‘ફ્રોડ‘ જાહેર કર્યા છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ૧૩ જૂન, ૨૦૨૫ના રોજ, એસબીઆઈએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના છેતરપિંડી જાેખમ વ્યવસ્થાપન માર્ગદર્શિકા અને તેની આંતરિક નીતિ હેઠળ આ સંસ્થાઓને ફ્રોડ જાહેર કરી છે. આ પછી ૨૪ જૂન, ૨૦૨૫ના રોજ, બેંકે રિઝર્વ બેંકને આ અંગે વિગતવાર માહિતી આપી હતી અને હવે સીબીઆઈ પાસે આ મામલે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા ચાલુ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પર મસમોટું દેવું છે. બેંકના જણાવ્યા અનુસાર, કંપની પર ઓગસ્ટ ૨૦૧૬થી આજ સુધી રૂ. ૨૨૨૭.૬૪ કરોડનું ફંડ-આધારિત લોન બાકી છે, જેમાં વ્યાજ અને અન્ય સંબંધિત ખર્ચનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કંપનીના નામે રૂ. ૭૮૬.૫૨ કરોડની નોન-ફંડ આધારિત બેંક ગેરંટી પણ જારી કરવામાં આવી હતી. એસબીઆઈના ક્રેડિટ એક્સપોઝરનો સરવાળો કરવામાં આવે તો કુલ આંકડો ખૂબ મોટો થઈ શકે છે અને તેથી જ હવે તેને ફરી ધછેતરપિંડીધ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની છેતરપિંડી ઓળખ સમિતિએ તેની તપાસમાં શોધી કાઢયું હતું કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સે લોનનો દુરુપયોગ કર્યો હતો એટલે કે લોનના પૈસા જે હેતુ માટે લેવામાં આવ્યા હતા તે હેતુ માટે ખર્ચવામાં આવ્યા નથી. બેંકે અગાઉ ડિસેમ્બર ૨૦૨૩, માર્ચ ૨૦૨૪ અને સપ્ટેમ્બર ૨૦૨૪માં આરકોમ અને અનિલ અંબાણીને કારણદર્શક નોટિસ મોકલી હતી પરંતુ કંપની આ આરોપોનો સંતોષકારક જવાબ આપી શકી ન હતી.
બેંકનું કહેવું છે કે લોનની શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને ખાતાઓમાં અનિયમિતતાઓ મળી આવી હતી. એસબીઆઈએ કહ્યું કે તે હવે આરબીઆઈના વર્તમાન નિયમો મુજબ આ મામલો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપશે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સે એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આર કોમ અને તેના સહયોગી એકમોએ બેંકો પાસેથી કુલ રૂ. ૩૧,૫૮૦ કરોડની લોન લીધી હતી.
