(સિટી ટુડે) અમદાવાદ,તા.૧૯
આજ રોજ તા. ૧૯-૧૨-૨૦૨૫ને શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ બોર્ડમાં દરિયાપુર વોર્ડના ચારેય મ્યુનિસિપલ કાઉન્સિલરોએ આ મુજબની રજૂઆત કરી હતી. મધ્ય ઝોનના દરિયાપુર, કાલુપુર-ખાડિયા, શાહપુર વોર્ડના પ્રાથમિક સુવિધાના રોડ, ડ્રેનેજ, પાણી સહિતના પ્રજાલક્ષી વિકાસના કાર્યો માટે માતબર બજેટની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ કોગ્રેસ પક્ષને સમર્થન કરતા વિસ્તારો સાથે ઓરમાયું વર્તન દાખવી ભેદભાવપૂર્ણ રીતે માત્ર ને માત્ર ભાજપાના ધારાસભ્યશ્રીએ સૂચવેલ કામો માટે જ બજેટની ફાળવણી કરવામાં આવી રહી છે.
૧) અમારી નમ્ર વિનંતી છે કે વિકાસથી વંચિત સમગ્ર દરિયાપુર વોર્ડમાં પક્ષાપક્ષીથી પર રહી બજેટ દ્વારા પ્રજાલક્ષી કાર્યો માટે સમાંતર વિકાસ કાર્યો કરવામાં આવે.
૨) કાલુપુર-ખાડિયાના સમગ્ર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓના નિરાકરણ માટે સમાંતર બજેટ ફાળવી ભેદભાવમુક્ત વિકાસ કાર્યો કરવામાં આવે.
૩) શાહપુર સમગ્ર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓના નિરાકરણ માટે સમગ્ર શાહપુર વિસ્તારમાં સમાંતર બજેટ ફાળવી ભેદભાવમુક્ત વિકાસ કાર્યો કરવામાં આવે.
વિષયઃ ૨૦૨૬ના બજેટમાં દરિયાપુર વોર્ડના પ્રજાલક્ષી કામોનો સમાવેશ કરવા
૧) સવિનય સાથે જણાવવાનું કે દરિયાપુર વોર્ડમાં સમગ્ર રથયાત્રા રુટમાં સમાવિષ્ટ પ્રેમ દરવાજાથી જોર્ડન રોડ દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર ચકલા, વિશેષ રુપે શાહપુર રંગીલા પોલીસ ચોકીથી થીકાંટા રેટીયાવાડી, સ્વામિનારાયણ સંપ્રદાય માટેનું અતિ મહત્વનું ઐતિહાસિક ધાર્મિક સ્થળ આંબલીવાળી પોળ કે જ્યાં સંતશ્રી પ્રમુખસ્વામી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયની રચના કરી હતી અને પ્રમુખસ્વામીને દિક્ષાની ચાદર પણ ત્યાં જ ઓઢાડવામાં આવી હતી તેવા અત્યંત પવિત્ર ધાર્મિક સ્થળ આવતુ હોવાથી સમગ્ર રુટને હેરીટેજ થીમ ઉપર આધુનિક લાઈટના થાંભલા મૂકવા તેમજ વ્હાઈટ ટોપીંગ રોડ બનાવી આધુનિક બનાવવું જોઈએ.
૨) દરિયાપુર વોર્ડમાં હાલમાં દરિયાપુર અર્બન હેલ્થ સેન્ટર નું રીડેવલપમેન્ટનું કામ ચાલુ છે. તાકીદે બે વર્ષથી ધીમી કામગીરી ચાલુ હોઈ દરિયાપુર અર્બન હેલ્થ સેન્ટરને સી.એચ.સી. સેન્ટર તરીકે કાર્યરત કરવા વિનતી જેમાં એક્સરે મશીન – બ્લડ લેબોરેટરી – સોનોગ્રાફી મશીનની સુવિધા પુરી પાડવા તેમજ પ્રસુતિગૃહ વિભાગ ચાલુ કરવા નમ્ર વિનંતી.
૩) દરિયાપુર વોર્ડમાં પ્રેમ દરવાજા પાસે ઢોર પુરવાનો ડબ્બો કાર્યરત હતો જે છેલ્લા ઘણા વર્ષોથી બંધ છે. ઉપરોકત ઢોરના ડબ્બાની જગ્યાએ દરિયાપુરની પ્રજા માટે લાઈબ્રેરી અથવા બાળ આંગણવાડી નવી બિલ્ડીંગ બનાવી ચાલુ કરવા માંગણી.










