સુરત, તા.૧૨
સુરતના પાલ સ્થિત આરટીઓ કચેરીના રેકોર્ડ રૂમમાં જમા રહેલી જૂની સ્માર્ટ કાર્ડ વાળી આરસી બુક ચોરી કરી તેનો દુરઉપયોગ કરી તેની નકલી આરસી બુક બનાવીને લોકોને ગાડીઓ વેચવાના કૌભાંડનો સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે આરટીઓ એજન્ટ સહિત ૫ લોકોની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરટીઓ કચેરીના રેકોર્ડ રૂમમાં જમા રહેલી જૂની સ્માર્ટ કાર્ડ વાળી આરસી બુક ચોરી કરી તેની નકલી આરસી બુક બનાવીને લોકોને ગાડીઓ વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર બનાવમાં અંકિત નરેશભાઈ વઘાસીયા આરટીઓ એજન્ટ જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ બાબુભાઈ પટેલ, ગાડી લે વેચનું કામ કરતા સવજીભાઈ મોહનભાઈ ડાભી, અશોકભાઈ ઉર્ફે બાલો ગોરધનભાઈ કાછડિયા અને સતીષભાઈ એલૈયા જિલ્લાની ધરપકડ કરી છે. પોલીસે સ્માર્ટ કાર્ડ વાળી આરસી બુક નંગ ૩૭૦, કોમ્યુટર, પ્રિન્ટર ૧ નંગ, કાર્ટીઝ ૩ નંગ, કોરા સ્માર્ટ કાર્ડ, ૧૦૦નું એક નંગ બંડલ, રબર સ્ટેમ્પ ૧૫ નંગ, શાહી પેડ ૧ નંગ, ૨ મોબાઈલ ફોન મળી કુલ ૯૨,૬૧૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચના જાેઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સએ જણાવ્યું હતું કે, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ડભોલી ગામ પાસે રહેતો અંકિત વઘાસીયા નામનો શખસ પોતાના રહેણાંક ફ્લેટ પર આરટીઓ કચેરીના સક્ષમ અધિકારી ઓથિરિટી/લાઈસન્સ પરવાના વગર કોમ્પ્યુટર પ્રિન્ટર વડે સ્માર્ટ કાર્ડ વાળી નકલી આરસી બુક બનાવે છે. જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેના રહેણાંક ફ્લેટ પર રેડ કરીને તપાસ કરી હતી જ્યાંથી પોલીસે નકલી સ્માર્ટ કાર્ડ વાળી આરસી બુક બનાવા માટે ઉપયોગમાં લેવામાં આવી સ્માર્ટ કાર્ડ વાળી ૩૭૦ નંગ આરસી બુક, કોમ્યુટર, સ્માર્ટ કાર્ડ પ્રિન્ટર સહિતનો કુલ ૯૨,૬૧૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ આ સમગ્ર મામલે પાલ આરટીઓ ખાતે ખરાઈ કરાવતા આરોપી પાસેથી મળી આવેલી સ્માર્ટ કાર્ડ વાળી આરસી બુક તેઓના રેકોર્ડ રૂમમાંથી ચોરી થઇ હોવાનું બહાર આવતા આ મામલે ગુનો દાખલ કરી આ સમગ્ર કૌભાંડ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપીઓ ભેગા મળીને ફાઈનાન્સ (લોન) વાળા વાહનો જેના હપ્તા બાઉન્સ થયા હોય તેવી ગાડીઓ સીઝ કરીને તેને બેંક કે ફાઈનાન્સ કંપનીમાં જમા કરાવવાના બદલે લોન સેટલમેન્ટ કરાવી એન.ઓ.સી. મેળવી તેને ગ્રાહકોને વેચાણ કરવા માટે નકલી આરસી બુક બનાવવા સારું સુરત પાલ આરટીઓના રેકોર્ડ રૂમમાં જમા થયેલી આરસી બુક ચોરી કરી તેનું લખાણ પેટ્રોલથી ભૂંસી નાંખી તેના પર કોમ્યુટર અને સ્માર્ટ કાર્ડ પ્રિન્ટર વડે પ્રિન્ટ કરીને નકલી આરસી બુક બનાવી ગ્રાહકોને વાહન વેચાણ કરતી વખતે તેને નકલી આરસી બુક અસલ હોવાનું કહી નામ ટ્રાન્સફર કરાવવા માટે બીજા જરૂરી કાગળો લઈને આરટીઓ કચેરી ખાતે મોકલી આપતા જ્યાં નામ ટ્રાન્સફર થયા બાદ ગ્રાહકોને આરટીઓ તરફથી પોસ્ટ મારફતે અસલ આરસી બુક ઈશ્યુ થઇ જાય જેમાં નકલી આરસી બુક આરટીઓ કચેરીમાં જમા થઇ એટલે નકલી આરસી બુક કોઈના હાથમાં ના આવે અને આવી રીતે તમામ આરોપીઓ ભેગા મળી ગુનો આચરતા હતા.