સુરત, તા.૧૨
સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં થયેલી હિંસામાં પથ્થરમારાના કેસમાં આજે લાલગેટ પોલીસ ૨૪ આરોપીને ફરધર રિમાન્ડ માટે લઈને સુરત કોર્ટ પહોંચી હતી. આ આરોપીઓમાંથી ૪ આરોપીના વધુ ૭ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, જેને કોર્ટે નામંજૂર કરતાં તમામ ૨૪ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
સૈયદપુરા હિંસાપ્રકરણમાં આજે લાલગેટ પોલીસ ૨૪ આરોપીના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં તેમને રજૂ કરવા માટે પહોંચી હતી. ઓફિસમાંથી ૪ આરોપી ફિરોઝ, સોહેબ, આલમ અને અબ્દુલ કરીમના સાત દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જ્યારે અન્ય આરોપીઓના રિમાન્ડ માગવામાં આવ્યા નહોતા.
રિમાન્ડના મુદ્દાઓ- આરોપીઓ અલગ વિસ્તારમાંથી, જે હાલના બનાવના વિસ્તારથી ઘણા દૂરથી આવ્યા હતા. ગુનાવાળી જગ્યાની નજીકથી મળી આવ્યા હતા. આરોપીઓની શંકાસ્પદ પ્રવૃત્તિ હોવાનું જણાઈ આવતાં તેમની વધુ પૂછપરછ કરતાં પોતે તેમના ગુનાના સ્થળે પોતાની જે-તે સમયની હાજરી બાબતે કોઈ વાજબી અને ઠોસ કારણો જણાવતા નહોતા, જેથી આ ગુનામાં તેમની શંકાસ્પદ ભૂમિકા જણાતી હોવાથી તેમની વધુ તપાસ કરવી જરૂરી છે.
આરોપીઓને લાગતાવળગતા અન્ય કોઈ સાહેદ મળી આવે, જે આરોપીની હાજરીની પુષ્ટિ કરે એ દિશામાં તપાસ ચાલુ છે, જેથી આરોપીઓના ફરધર રિમાન્ડ મંજૂર કરવા આવે. આરોપીઓ ખૂબ જ ભણેલા અને ચાલાક જણાય આવતા હોઈ, પોલીસ કસ્ટડીનો સમય પસાર કરતા હોય અને પોલીસને ગેરમાર્ગે દોરતા હોય એવું જણાતું હોય. જાે આરોપીઓને પોલીસ કસ્ટડીમાં રાખી વધુ અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવે તો હજી તપાસને મદદરૂપ ઘણી હકીકતો મળી શકે છે.
આરોપીઓ અલગ-અલગ વિસ્તારોમાંથી આવી બનાવ વખતે ગુનાવાળી જગ્યાની આજુબાજુમાંથી મળી આવ્યા હોઈ, તેઓ કોઇના કહેવાથી કે કોઇની દોરી સંચારથી સદર ગુનાને અંજામ આપવા માટે આવ્યા હતા કે કેમ? એ જણાવતા ન હોઈ, એ દિશામાં તપાસ કરવા આરોપીની વધુ પોલીસ કસ્ટડી રિમાન્ડની માગણી કરી.
જાેકે આ સમગ્ર મામલે આરોપીઓના વકીલ જાવેદ મુલતાનીએ જણાવ્યું હતું કે પોલીસે ૪ આરોપીના વધુ રિમાન્ડની માગણી કરી હતી છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ ચાલાક છે, પરંતુ પોલીસ કરતાં કોણ ચાલાક હશે. પોલીસે જણાવ્યું હતું કે આ લોકો બહાર ગામના છે એટલે મૂળ ઉત્તરપ્રદેશના વતની છે, પરંતુ અમે કોર્ટ સમક્ષ તમામ પુરાવા રજૂ કર્યા કે તેમનાં જન્મ સુરતમાં થયાં છે અને તેઓ સુરતમાં જ ભણ્યા છે અને સુરતમાં જ રહે છે, જેથી, અમારી તમામ દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમના રિમાન્ડના મંજૂર કર્યા હતા.