વાયનાડ, તા.૨૩
કેરલની વાયનાડ લોકસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની જીત ફિક્સ થઈ ગઈ છે. અત્યાર સુધીના પરિણામો જાેતા પ્રિયંકા ગાંધી આ સીટ પર રેકોર્ડ મતોથી જીતવા જઈ રહ્યા છે. પ્રિયંકા પોતાના નજીકના હરીફ કોમ્યુનિસ્ટ ઓફ ઈન્ડિયાના સત્યેન મોકેરીથી ૪ લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે. જાે આ અંતર આવી જ રીતે રહેશે તો તેઓ રાહુલ ગાંધીના ૩.૬૫ લાખ વોટના માર્જિનને પાછળ રાખી દેશે. આ સીટ પર ભાજપની નવ્યા હરિદાસ ત્રીજા નંબરે રહી છે. આ વર્ષે થયેલી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની રાયબરેલી અને કેરલની વાયનાડ સીટથી ચૂંટણી લડી હતી અને બંને સીટો પર જીત મેળવી હતી. જાેકે બાદમાં તેમણે લોકસભામાં રાયબરેલી સીટથી પ્રતિનિધિત્વ કરવાનો ર્નિણય લીધો. રાહુલના આ ર્નિણય બાદ વાયનાડની સીટ ખાલી થઈ ગઈ હતી, જેના પર ૧૩ નવેમ્બરના રોજ પેટાચૂંટણી થઈ હતી.
દેશની બે અત્યંત મહત્ત્વની લોકસભા બેઠક વાયનાડ અને નાંદેડ પર યોજાયેલી પેટાચૂંટણીના આજે પરિણામ જાહેર થયા છે. જેમાં કેરળની વાયનાડ બેઠક ખૂબ જ મહત્ત્વની છે. વાયનાડ બેઠક પરથી જ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ૬૧૭૯૪૨ મત મેળવીને ડાબેરી મોરચા સત્યન મોકેરી અને ભાજપના નવ્યા હરિદાસને હરાવ્યા છે. ગાંધી પરિવારમાંથી જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, ફિરોઝ ગાંધી, સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, વરુણ ગાંધી અને રાહુલ ગાંધી રાજકારણમાં આવી ચૂક્યા છે. હવે પ્રિયંકા ગાંધી પોતાના રાજકારણની શરૂઆત દેશના દક્ષિણ ભાગથી કરશે.
વાયનાડમાં મોટી જીત તરફ આગળ વધી રહેલી પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા દ્વારા વાયનાડની જનતા, પાર્ટી કાર્યકર્તા અને પરિવારનો આભાર વ્યક્ત કર્યો. તેમણે એક્સ પર લખેલા મેસેજમાં કહ્યું કે, “વાયનાડના મારી વ્હાલી બહેનો અને ભાઈઓ, તમે મારા પર જે વિશ્વાસ મુક્યો છે, તેના માટે હું આપની ખૂબ ખૂબ આભારી છું. હું એ ખાતરી આપું છું કે, તમે એવું અનુભવશો કે આ જીત આપની જીત છે અને જે વ્યક્તિને આપે આપનો પ્રતિનિધિ ચૂંટ્યો છે, તે આપની આશાઓ અને સપનાઓને સમજે છે અને આપના માટે લડે છે. હું સંસદમાં આપનો અવાજ બનવા માટે ઉત્સુક છું.”
પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, “મને આ સન્માન આપવા માટે અને જે રીતે આપે મને પ્રેમ આપ્યો છે, તેના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.” તેમણે પાર્ટી કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કરતા કહ્યું કે, “યૂડીએફમાં મારા સહકર્મી, કેરલના નેતા, કાર્યકર્તા, સ્વયંસેવકો અને મારા કાર્યાલયના સહયોગી, જેમણે આ અભિયાનમાં અવિશ્વસનિય રીતે ખૂબ મહેનત કરી, દિવસમાં ૧૨ કલાક સતત કામ કર્યું, અને જેમણે મારા પર વિશ્વાસ મુક્યો, આ તમામનો ખૂબ ખૂબ આભાર.”