સુરત, તા.૦૭
સુરત શહેરમાં બદલાતા હવામાનની લોકોનાં સ્વાસ્થ્ય પર અસર-વર્તાઈ રહી છે. ચોમાસાની ઋતુને કારણે મલેરિયા, ડેન્ગ્યૂ, ઊલટી-ઝાડા, શરદી-ખાંસી, તાવ જેવા મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, ઓપીડીમાં દરરોજ ૧૦થી ૧૨ ટકા વધુ કેસ આવી રહ્યા છે. જાે સતત વરસાદ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં મોસમી રોગોનાં કેસમાં વધારાને શક્યતા નકારી શકાય નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૨ દિવસમાં સુરતમાં ઝાડા-ઊલટી અને તાવથી બાળકો સહિત ૧૦નાં મોત થયાં છે.
જૂન મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો, નવી સિવિલ હોસ્પિટલમાં ૨૨૩ મલેરિયા અને ૧૧૩ ડેન્ગ્યૂ સહિત મોસમી રોગોના કુલ ૭૩૩ દર્દી દાખલ થયા છે. જૂનના છેલ્લા અઠવાડિયાથી શહેરમાં ચોમાસાએ દસ્તક આપી છે. આ ઋતુમાં સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી પણ મોંઘી સાબિત થઈ શકે છે. નવી સિવિલ સ્પિટલના તબીબે જણાવ્યું હતું કે હવામાનમાં ફેરફારની અસર હવે લોકો પર દેખાઈ રહી છે, જેના કારણે મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં ૧૦થી ૧૨ ટકાનો વધારો થયો છે. વરસાદની ઋતુમાં મલેરિયા, ડેન્ગ્યૂ, શરદી, ફ્લૂ વાઇરલ તાવના વધુ કેસ સામે આવી રહ્યા છે.
ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં ખાડીનું પાણી-પ્રવેશ્યાં હતાં. એ જ સમયે સોસાયટીઓમાં પાણી ભરવાથી મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે. મલેરિયા અને ડેન્ગ્યૂ ઉપરાંત, વરસાદ દરમિયાન હેપેટાઇટિસ, ટાઈફોઈડ, કમળો અને તીવ્ર ગેસ્ટ્રો અને ચામડી પર ખંજવાળના દર્દીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
સુરત સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર જિગીષા પાટિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧૫ દિવસથી ચોમાસાનો વરસાદી માહોલ છે. વરસાદ બંધ થયા બાદ હોસ્પિટલમાં દર્દીઓનો ક્રમશ: વધારો થતો હોય છે. સિવિલ હોસ્પિટલમાં મુખ્ય બે મેડિસન અને પીડિયાટ્રિક વિભાગમાં ૬૦૦થી વધુ ઓપીડી આવી રહી છે. સામાન્ય દિવસ કરતા તેમાં ક્રમશ: વધારો થયો છે.
હાલ જે દર્દીઓ આવે છે તેમાં ઝાડા-ઊલટી, શરદી-ઉધરસ, તાવ અને ચામડીના ખંજવાળનો દર્દીઓનો સમાવેશ થાય છે. આજે દર્દીઓ આવી રહ્યા છે એ સિવિલ હોસ્પિટલની આસપાસના પાંડેસરા, લિંબાયત, ઉધના સહિતના વિસ્તારના લોકો છે, કે જેઓ શ્રમજીવી વિસ્તારમાંથી આવે છે. આ વિસ્તારોમાં ગીચતા પણ વધુ હોય છે અને તેના કારણે એકબીજાથી ફેલાતા રોગમાં વધારો થતો હોય છે. આ સાથે જ પાણીના ભરાવાના કારણે પાણીજન્ય રોગ પણ વધતા હોય છે. આ લોકોએ પાણી ન ભરાય તેનું ધ્યાન રાખવું જાેઈએ અને ઉકાળીને પાણી પીવું જાેઈએ.
