સુરત, તા.૧૬
સુરતની પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના બેઝમેન્ટ પાર્કિંગમાં વગર વરસાદે પાણી ભરાતા આશ્ચર્ય સર્જાયું હતું. વાહનચાલકો પાર્કિંગમાં વાહન પાર્ક કરીને ગયા બાદ પાણી ભરાઈ ગયા હતા. હાલ તો આ પાણી ક્યાંથી આવ્યું છે, તેનાથી તંત્ર અજાણ છે. આ સાથે જ પાણી લીકેજ શોધવા માટે લોકોને કામે લગાડ્યા છે.
મળતી માહિતી પ્રમાણે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મોટી સંખ્યામાં રોજબરોજ દર્દીઓ અને તેના સગા-સંબંધીઓ આવતા હોય છે. જેથી તેમના માટે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. જેમાં બેઝમેન્ટમાં બાઇક પાર્કિંગ કરવામાં આવે છે. આજે દર્દીઓ અને તેના સગા-સંબંધીઓ બેઝમેન્ટમાં આવેલા પાર્કિંગમાં વાહન પાર કર્યા બાદ સારવાર માટે ગયા હતા. આ દરમિયાન અચાનક આ બેઝમેન્ટમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું હતું.
બેઝમેન્ટ પાર્કિંગની અંદર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા. ભાઈ ચાલકો પરત આવતા પાણી ભરાયેલા હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ પાર્કિંગમાં પાણી ભરાયું હોવાથી અન્ય વાહનચાલકોને પોતાના વાહનો પાર્કિંગમાં જતા રોડ પર અને બહાર પાર્ક કરવાની નોબત આવી હતી. દર્દીઓને સાથે લઈને આવેલા પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ બાબતે સ્મીમેર હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડોક્ટર જીતેન્દ્ર દર્શને જણાવ્યું હતું કે, હા આ બાબત અમારા ધ્યાનમાં આવી છે પાણી ક્યાંથી આવ્યું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાણી ભરાઈ ગયા બાદ પણ તંત્ર અજાણ છે કે, બેઝમેન્ટ પાર્કિંગમાં પાણી ક્યાંથી આવ્યું. સવારથી હાલત હોવા છતાં પણ બપોર સુધીમાં હજુ સુધી લીકેજ મળ્યું નથી.
