સુરત,તા.૨૪
સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ ટેકેદારોની ખોટી સહીઓના કારણે રદ થતાં કોંગ્રેસે શરમજનક સ્થિતિમાં મુકાવાનો વારો આવ્યો છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ થયા બાદ હવે કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિલેશ કુંભાણીને નિશાને લેવાનું શરૂ કર્યું છે. મંગળવારે સુરત સ્થિત નિલેશ કુંભાણીના ઘર પર ‘જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’નાં પોસ્ટર લાગ્યાં હતાં. આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ-પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને આડેહાથ લીધા હતા. કુંભાણી અને તેમના ટેકેદારોને ચીમકી આપતાં કહ્યું હતું કે તમારે જ્યાં કોઠીમાં ભાજપની આડમાં સંતાવું હોય ત્યાં સંતાઈ જજાે, સુરતમાં કાં તમે રહેશો કાં પ્રતાપ દૂધાત રહેશે. નિલેશ કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું.
અમરેલીમાં કોંગ્રેસના કાર્યાલય પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતાં સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ-પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો પર પ્રહાર કર્યા હતા. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોની સહી ખોટી હોવાના કારણે તેનું ફોર્મ રદ થયું હતું. કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ સુરત લોકસભા બેઠક પર અન્ય પક્ષના અને અપક્ષોએ ઉમેદવારી પરત ખેંચી લીધા બાદ ભાજપના ઉમેદવાર બિનહરીફ થતાં કોંગ્રેસને ભારે ઝટકો લાગ્યો છે. ત્યારે આજે પ્રતાપ દૂધાતે ચીમકી ઉચ્ચારતાં કહ્યું હતું કે પ્રતાપ દૂધાત સ્મશાને જશે ત્યાં સુધી એ સુરતના રણબંકાએ જે આપણી સાથે ગદ્દારી કરી છે એની રાખ થઈ જશે તોપણ સ્મશાનમાંથી મૂકવાનો નથી. હું પોતે આ લડાઈ લડવાનો છું. આ એટલે કહું છું કે તેણે પ્રજાની પીઠમાં ખંજર માર્યું છે. કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે, સાથે સાથે પ્રજાને માર્યું છે.
નિલેશ કુંભાણી અને તેના ટેકેદારોને ગર્ભિત ધમકી આપતાં દૂધાતે કહ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર અને તેના ત્રણ ટેકેદાર તમારે જ્યાં કોઠીમાં ભાજપની આડમાં સંતાવું હોય ત્યાં સંતાઈ જજાે. તમારે સી.આર. પાટીલના ઘરમાં રહેવા જવું હોય તો જતા રહેજાે. ૭ તારીખ પછી મારી લડાઈ શરૂ થશે. સુરતમાં કાં તમે રહેશો કાં પ્રતાપ દૂધાત રહેશે. તમને બતાવીશ કે કોંગ્રેસ સાથે ગદ્દારી કરવાથી પરિણામ શું આવે હું ત્યાં આવીને બતાવીશ.