સુરત, તા.૧૨
સુરતના માંગરોળના મોટા બોરસરાની સીમમાં ૮ ઓક્ટોબરે સગીરા પર ગેંગરેપ થયો હતો. એના ત્રીજા આરોપી રામસજીવન ઉર્ફે રાજુને ૧૦ ઓક્ટોબરે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી ઝડપી લીધો હતો. આજે રાજુને લઈ પોલીસ કોર્ટ પહોંચી હતી. પોલીસે ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જાે કે, કોર્ટે ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે મૃતક આરોપી શિવશંકરના આજે દશેરાના દિવસે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
રિમાન્ડ દરમિયાન આરોપી રાજુનો વોઇસ સ્પેક્ટોગ્રાફી કરવામાં આવશે. પોલીસને પુરાવા મળ્યા છે કે જે બાઈકનો ઉપયોગ ગુના સમયે આરોપીઓએ કર્યો છે એ બાઈકના માલિક તન્વીર સાથે તેમણે ગુના બાદ વાતચીત કરી હતી અને દુષ્કર્મ કર્યા હોવાની વાત પણ જણાવી હતી. આ જ કારણ છે કે તન્વીર સાથે થયેલી વાતચીતના પુરાવા મળ્યા બાદ હવે રાજુનો વોઈસ સ્પેક્ટોગ્રાફી કરવામાં આવશે. ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી રાજુએ બાઈકના માલિક તન્વીર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. એ માટે હવે પોલીસ વોઈસ સ્પેક્ટોગ્રાફી કરાવશે, કારણ કે તન્વીરે રાજુ સાથે થયેલી વાતચીત રેકોર્ડ કરી લીધી હતી, જેમાં તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચાર્યું છે અને આ પોલીસ માટે એક મહત્ત્વનો પુરાવો પણ છે.
સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે આરોપી રાજુની ધરપકડ કર્યા બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કુલ ૯ લેખિત રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા. એ પૈકી આરોપીની ઓળખ પરેડ, કેટલાક એફએસએલના પુરાવા મેળવવાના છે એ રિમાન્ડના મુદ્દાઓમાં સામેલ છે. આ સાથે વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી કરાવવાની છે. મેડિકલ એવિડન્સ અને મોટરસાઇકલ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે. ગુનામાં મોટરસાઇકલનો પણ ઉપયોગ થયો છે. સતત પોલીસ કસ્ટડીની આ બાબતે જરૂરિયાત છે. એ માટે આ રિમાન્ડના મુદ્દાઓ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. કોર્ટે ૧૭મી ઓક્ટોબર સુધી આરોપીના રિમાન્ડ આપ્યા છે. આરોપી વિરુદ્ધ કેટલાક પુરાવા મળ્યા છે, જે માટે વોઈસ સ્પેક્ટોગ્રાફી જરૂરી છે. ગુના બાદ એક આરોપી કંઈક વાતચીત કરી હોય એ પુરાવા મળ્યા છે. ત્રણેય આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. કુલ ૨૦થી વધુ ગુના ત્રણેય આરોપીએ કર્યા છે એ અંગે પણ તપાસ કરાશે.