(સિટી ટુડે) અમદાવાદ, તા.૨૯
પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક ને ટ્વીટ તેમજ ટેલિફોનીક રજૂઆત કરી પોલીસના ઉઘરાણા બાબતે નીચે મુજબની રજૂઆત કરેલ છે.
તેમણે રજૂઆત કરતાં જણાવેલ કે આપ નિઃસંદેહ ખૂબ જ પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારી છો. આપની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવું કાર્ય સમગ્ર અમદાવાદ સહિતના મુખ્યત્વે શાહપુર, એલિસબ્રીજ, દાણીલીમડા, નારોલ, નરોડા, ઓઢવ, વટવા પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પાવન દિવાળીના તહેવારો દરમ્યાન સ્થાનિક વેપારીઓને ધાક ધમકી આપી બળજબરીપૂર્વક બોનસના નામે ખંડણી સ્વરુપે મોટી રકમનું ઉઘરાણું કરી રહ્યા હોવાની ગંભીર ફરિયાદો સ્થાનિક વેપારી વર્તુળમાં ઉઠવા પામેલ છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજયની પોલીસને નાના વેપારીઓને હેરાન નહી કરવા અને નવરાત્રિ-દિવાળીમાં ધંધો કરવા દેવાની સૂચના આપી હતી. અમદાવાદ પોલીસ ગૃહમંત્રીની સૂચનાને પણ ઘોળી ને પી ગઈ છે.
ગરીબ મધ્યમ વર્ગના વેપારીઓ પાસેથી ઉઘરાણા કરી પોલિસ વિભાગના મોટા ના ઘરે અને ઓફિસોમાં મિઠાઈ, ફટાકડા સહિતની મસમોટી ભેટસોગાદો મોકલાવી રહ્યા છે. આમ તેઓ સમગ્ર અમદાવાદમાં બૂમ પડાવી રહ્યા છે.
ઘણાં વર્ષોથી દિવાળી સમયે ઉઘરાણા કરવા ટેવાયેલી પોલીસ દુકાનદીઠ હજાર થી બે હજાર રૂપિયા ઉઘરાવતી હતી પરંતુ આશ્ચર્યજનક પ્રથમ વખત દિવાળીની ઉઘરાણી માટે અમદાવાદ પોલીસે જબરદસ્ત ફોરમ્યુલા અપનાવેલ છે. કાયદેસર જગ્યામાં વેપાર કરતા નાના દુકાનધારકો પાસેથી રૂા. ૨૫ થી ૫૦ હજાર અને ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં રૂા. એક લાખ સુધીનું ઉઘરાણું કરી રહ્યા છે. દિવાળી ટાણે પોલીસના આવા વ્યવહારથી નાના વેપારીઓ પરેશાન થઈ ગયા છે. આ બાબતે કંટાળી ગયેલા વેપારીઓ સરકાર સુધી રજૂઆત કરવાનો વિચાર કરી રહ્યા હતા ત્યારે કેટલાક શાણા વેપારીઓએ સલાહ આપી કે, આપણે બારે મહિના ધંધો કરવાનો છે એટલે પાણીમાં રહી મગરમચ્છ સાથે વેર ન બંધાય. જો ફરિયાદ કરીશું તો આગામી દિવસોમાં પોલીસ કલમ ૨૮૩ સહિતના અન્ય ગુના હેઠળ ખોટા કેસોમાં સંડોવણી કરી હેરાન કરશે.
આપ આ અંગે યોગ્ય તપાસ કરી આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સામે તાત્કાલિક કડક શિક્ષાત્મક પગલાં લો તેવી પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા માંગ કરવામાં આવી છે. વેપારીભાઈઓને પણ વિનંતી કે જો કોઈ પોલીસ અધિકારી આવી ગેર કાયેદસર રકમની માંગણી કરે તો ગુપ્ત રીતે તુરંત જ લાંચ રુશ્વત વિરોધીવિભાગનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવી જોઈએ.
ઉપરોકત બાબતે આદરણીય કમિશનર ને ટેલિફોનીક રજૂઆત પણ કરવામાં આવેલ છે. કમિશનરે આ બાબતને ગંભીરતાથી સાંભળી યોગ્ય તપાસ કરવાની પણ ખાતરી આપેલ છે.