સુરત, તા.૨૯
દિવાળી અગાઉ ફટાકડાના વેપારીઓએ કરેલા સ્ટોકની માહિતી વચ્ચે એસજીએસટીએ વેપારીઓને સાણસામાં લેવાની શરૂઆત કરી છે. સુરતમાં એક વેપારીને ત્યાં દરોડા પાડીને ૪૧ લાખની કરચોરી શોધી કાઢી છે. આ સાથે ટીમે રાજ્યભરમાં આઇસ્ક્રીમ અને કપડાંના વેપારીઓને ત્યાં પણ તપાસ કરી છે. સુરત, ભાવનગર, અમરેલી અને ગાંધીનગર ખાતેના દરોડામાં કુલ ૩.૨૮ કરોડની ચોરી પકડાઈ છે. અલબત્ત, આ એવા વેપારીઓ છે જેઓ જથ્થાબંધ ધંધો કરે છે અને વેપારી ટુ વેપારી જ માલ વેચે છે. દરમિયાન જીએસટી વિભાગે એક અપીલ પણ કરી છે કે દિવાળીના તહેવારો દરમિયાન થતા બિલ વિનાના વેચાણો થકી થતી ચોરી પર ખાતા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. દેશના જવાબદાર નાગરિક તથા કરદાતાઓને કાયદાનુસાર વ્યવહાર કરવા પણ કહેવાયુ છે.
અનેક વેપારી એવા પણ છે જેઓ બિલ વગર જ માલ આપી જીએસટી ચોરી કરી રહ્યા છે. સી.એ. દીપ ઉપાધ્યાય કહે છે કે ફટાકડા પર ૧૮ ટકા જીએસટી લાગે છે. બિલ વગર વેચાતા માલના લીધે સરકારને મોટી રેવન્યુ લોસ જાય છે એટલે જ દરોડા પડ્યા છે.
ભાવનગરમાં ફટાકડા વેપારીઓને ત્યાંની તપાસમાં ચોપડે ઓછો સ્ટોક બતાવી બારોબાર વેચાણ જણાતા ૧.૭૨ કરોડની ચોરી મળી હતી. અમરેલીમાં આઇસ્ક્રીમના વેપારીને ત્યાંથી ૩૦ લાખ, ગાંધીનગરમાં કપડાં વેપારીને ત્યાંથી ૮૫ લાખની ચોરી મળી છે.