સુરત, તા.૦૭
સુરતમાં બુધવારે મોડી સાંજે સિટી લાઈટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલમાં અમૃતયા સ્પા અને જિમ-૧૧માં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ગૂંગળામણથી સ્પાનાં બે મહિલા કર્મચારીનાં મોત નીપજ્યાં હતાં.
આગની ઘટના જે સમયે બની તે સમયે રોજ જિમમાં ૧૫૦થી વધુ લોકોની અવરજવર રહેતી હોય છે. આ સિવાય સાંજે ૪થી ૬ દરમિયાન નાનાં બાળકો માટે એથ્લેટિક્સની ટ્રેનિંગ પણ ચાલતી હોય છે. હાલમાં દિવાળીના વેકેશનને કારણે જિમ બંધ હતું. જેને કારણે મોટી દુર્ઘટના થતી અટકી ગઈ હતી.
જાે જિમ ચાલુ હોત તો મોટી દુર્ઘટના થઈ ગઈ હોત અને મોતનો આંકડો મોટો થઈ ગયો હોત. જિમ અને સ્પાને સીલ કરવામાં આવશે આજે સવારથી જ અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિમ અને સ્પામાંથી સેમ્પલ લેવા માટે એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના અધિકારીયો પણ હાજર રહ્યા હતા. બંને ટીમ ભેગી મળીને જિમમાં પહોંચી એફએસએલ દ્વારા સેમ્પલ લીધા હતા. જીમના સંચાલક શાહ નવાજની ઘોર બેદરકારી હાલ સામે આવી છે. શાહ નવાજે જીમ અને સ્પા સંબંધી કોઈપણ પ્રકારની જાણકારી પોલીસને આપી નહોતી ભાડા કરાર અંગેની પણ જાણકારી પોલીસ મથકમાં નોંધાવી નહોતી. એટલું જ નહીં કેટલા કર્મચારીઓ તેના જીમ અને સ્પામાં કાર્યરત છે તે અંગેની વિગતો પણ ઓફલાઈન કે ઓનલાઇન આપવામાં આવી નહોતી.જેથી હવે પોલીસ આ અંગે તેની ઉપર કાર્યવાહી કરવા માટેની તૈયારી કરી રહી છે.
આ ઘટનામાં ફાયર વિભાગની બેદરકારી વધુ એક વખત બહાર આવી છે. જ્યાં આગ લાગી તે ફોર્ચ્યુન મોલ તરીકેની ઓળખ ધરાવે છે. જ્યારે તેનું અસલી નામ શિવપૂજા અભિષેક કોમ્પલેક્સ છે. જેના ત્રીજા માળે દોઢી હાઇટના સ્લેબ લઈને બનાવેલા માળમાં સનસિટી જિમ ચાલતું હતું. આ જિમમાં ગત ઓગસ્ટ માસમાં એટલે કે, રાજકોટની દુર્ઘટના બાદ ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે તેની ફાયર એનઓસીની ડેટ પૂરી થઈ ચૂકી હોવાથી રિન્યુ કરવા માટે નોટિસ આપી હતી. પરંતુ ત્યારબાદ શું થયું? ફાયર સેફ્ટીના નિયમોનો અમલ કરીને એનઓસી રિન્યુ કરવામાં આવી કે કેમ? તેની ફાયરના અધિકારીઓને કોઈ જાણ જ નથી.
ડિવિઝનલ ફાયર અધિકારી હરીશ ગઢવીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં એનઓસી આપવામાં આવ્યું હતું. ત્યારપછી ૧૫મી ઓક્ટોબરના રોજ વર્ષ માટે રિન્યુઅલ કરાવ્યું છે. જિમને વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૪ના ઓગસ્ટ મહિનામાં નોટિસ આપવામાં આવી હતી. ફાયર એનઓસી લેવા માટે નોટિસ આપવામાં આવી હતી. જિમ એસેમ્બલીમાં આવે છે. જેથી એનઓસી લેવી કમ્પલસરી હોય છે. ઇમર્જન્સી સ્ટેર માટે પણ જણાવવામાં આવ્યું હતું. જે ફસાડ (કાચથી કવર કરેલું બિલ્ડિંગ) છે એ માટે પણ સૂચના આપવામાં આવી હતી. ફસાડ હોવાથી અમે તેમને સૂચના આપી હતી કે, અંદર જાે આગ લાગવાની ઘટના બને તો તે ધુમાડો રિલીઝ કરવા માટે એન્ટ્રી બ્લોકમાં ફાયર ફાઈટિંગ અને રેસ્ક્યૂ થઈ શકે.
મોલમાં બેદરકારી આ માટે પણ સ્પષ્ટ રીતે જણાય છે. કારણ કે, એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ જગ્યા છે. ઇમર્જન્સી એક્ઝિટ માટે કોઈ વિકલ્પ લોકો પાસે નથી. મેઇન ગેટથી જ એન્ટ્રી અને એક્ઝિટ કરી શકાય છે. જ્યારે જિમની વાત કરવામાં આવે તો જિમથી સ્પામાં જવા માટેનો રસ્તો છે. જિમની અંદર બનાવવામાં આવેલા દાદરથી જ સ્પા તરફ જઈ શકાય છે.
- ફોર્ચ્યુન મોલનાં જિમ-સ્પામાં લાગેલી આગ બાદ સફાળે જાગેલા તંત્રએ તપાસ દરમિયાન જિમ સંચાલકની સંડોવણી અંગે શું તપાસ કરી?
(સિટી ટુડે) સુરત, તા.૦૭
ઘટના સ્થળેથી સદનસીબે બચી ગયેલા માલીક શાહ નવાઝ તથા સંચાલક દિલશાન અને જયુસેલા, થસરોલા અને અમી નામની ત્રણ યુવતીઓને પોલીસ સ્ટેશન લઇ જઇ પુછપરછ કરવામાં આવી હતી. આ પુછપરછ દરમિયાન કઇ ચોંકાવનારી વિગતો બહાર આવી? તથા સમગ્ર ઘટનામાં કોઇક ને બચાવવાના પ્રયાસો તો નથી કરવામાં આવ્યો? અને જિમ સંચાલક જાણીતા ઉદ્યોગપતિનો પુત્ર હોવાની ચર્ચાએ પણ ભારે જાેર પકડ્યું છે.