પકડાયેલા ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તથા
તેમાંથી એક આરોપી ગુજસીટોકમાં હાલ જામીન લઇ છૂટેલ છે
સુરત,તા.૩૦
મુસ્તકીમ ઝુનઝુનીયા કાપડ દલાલીની સાથે USDT (ક્રિપ્ટોકરન્સી) ટ્રેડિંગનો વ્યવસાય કરે છે. થોડા સમયથી વસીમ સોલંકી સાથે કામકાજમાં જાેડાયેલા મુસ્તકીમને બુધવારે રાત્રે વસીમે ફોન કરીને એક પાર્ટીને USDT આપવાની વાત કરી હતી અને તેને ઝેનબ હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો. મુસ્તકીમ તેમના ભાઈ ઉસ્માન સાથે ઝેનબ હોસ્પિટલ પહોંચ્યો જ્યાં વસીમે તેને પોતાની ક્રેટા કારમાં બેસાડ્યો. થોડી જ વારમાં એક લાલ બ્રેઝા કાર ત્યાં પહોંચી અને એમાંથી ત્રણ લોકો ઊતરી આવ્યા હતા. મુસ્તકીમને ગળા પર છરો મૂકી કારમાં બેસાડી લેવામાં આવ્યો અને તેની સાથે મારામારી શરૂ કરી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ.
અપહરણ કરનાર ટોળકીએ મુસ્તકીમને ઓલપાડ, ઉધના અને પાંડેસરા જેવા વિસ્તારોમાં ફેરવ્યો અને તેના બાયનાન્સ એકાઉન્ટ (ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરવા માટે વપરાતું એકાઉન્ટ)માંથી સમગ્ર ૩૨,૦૭૧ USDT ટ્રાન્સફર કરવી લીધા હતા. ત્યાર બાદ લિંબાયત વિસ્તારમાં મુસ્તકીમને છોડી દીધો હતો. આ કિસ્સામાં રાંદેર પોલીસે મુખ્ય આરોપી કૈલાશ ઉર્ફે કેલીયાને ઝડપી પાડ્યો છે. કૈલાશ રીઢો ગુનેગાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કૈલાશ થોડા સમય પહેલાં જ ગુજસીટોકના કેસમાં જામીન પર છૂટ્યો હતો. કૈલાશ અને તેના ભાઈઓના ગુનાખોરીના ઘણા કિસ્સા નોંધાયેલા છે. તેમની વિરૂદ્ધ ૧૨ હત્યાના ગુનાઓ સુધી નોંધાયેલા છે. મુસ્તકીમએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ વિરૂદ્ધ USDT ચોરી, અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકીઓ સહિતના આરોપ મુકવામાં આવ્યા છે. રાંદેર પોલીસે ઘટનાની તમામ વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે અને બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ ચાલી રહી છે. આરોપી તરીકે કૈલાસ ઉર્ફે કેલિયા પાટીલ (ઉં.વ. ૩૩) (મુખ્ય શખસ, જેના વિરુદ્ધ લિંબાયત, સચિન અને ડિંડોલી પોલીસમાં હત્યા અને ગુનાખોરીના કેસ નોંધાયેલા છે), દયાવાન ઉર્ફે બંટી પાટીલ (ઉં.વ. ૨૭) (ડિંડોલી વિસ્તારના શાકભાજી વેપારી, જેના નામે પણ ઘણા ગુનાઓ છે.), અશોક ઉર્ફે ભૂરિયા મહાજન (ઉં.વ. ૨૫) (ડિંડોલીમાં રહેતો અને અગાઉના ગુનાઓમાં સામેલ) ની ધરપકડ કરવામાં આવી છે.