- લિંબાયતઝોનમાં થયેલા બેફામ ઉઘરાણામાં અધિકારીના વચેટીયા તરીકેની ભૂમિકા ભજવનારાઓ સામે તવાઇની એંધાણ
(સિટી ટુડે) સુરત,તા.૦૪
લિંબાયત ઝોનના એક અધિકારી દ્વારા કરવામાં આવી રહેલું ભ્રષ્ટાચાર અને બિલ્ડર, કોન્ટ્રાક્ટર પાસેથી કરાયેલા ઉઘરાણા અંગે મનપા કમિશનર સુધી પહોંચેલી ફરીયાદ બાદ લિંબાયત ઝોનના અધિકારીના વચેટીયા સહિત આકિર્ટેક્ટ સામે તવાઇના એંધાણ વર્તાઇ રહ્યા છે.
મનપાના અધિકારીઓ ઉઘરાણા મામલે એટલા બેફામ બની ગયા છે કે, હવે પોલીસ મથકના કેશીયરોની જેમ ઝોનમાં વચેટીયાઓ સક્રિય થયા છે. કેશીયર કમ વચેટીયાની ભૂમિકા ભજવનારામાં આકિર્ટેક્ટો પણ બાકાત નથી.
લિંબાયતઝોનમાં હાલ તો તોડ કાંડ અંગે ચર્ચાઓ ઉઠવા પામી હતી. પણ દિવાળીના માહોલમાં આ તોડકાંડને દબાવી દેવામાં આવ્યું હતું. લિંબાયતઝોનના એક લાંચીયા અધિકારીના વચેટીયાએ અધિકારીના નામે સમગ્ર ઝોનના બિલ્ડરો પાસેથી કરેલા ઉઘરાણાઓ અંગે મામલો મનપા કમિશનર એસીબી સુધી પહોંચ્યા હોવાની વાત ચર્ચાઇ રહી છે.
લિંબાયતઝોનમાં એક રાજકીય વગ ધરાવતો વચેટીયો કમ આકિર્ટેક્ટએ અધિકારી સાથે સેંટીગ કરાવવાના નામે લાખો રૂપિયાના ઉઘરાણાઓ કર્યા હોવાની ચર્ચા બાદ આ મામલામાં વરાછા ઝોનના કાર્યપાલક તથા અન્ય અધિકારી જેવી ઘટના બને તો નવાઇ નહિં. લિંબાયત ઝોનના આ અધિકારીને પણ મનપા કમિશનરના જાણમાં આવેલી આ બાબત બાદ પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે.
લિંબાયત વિસ્તારના કેટલાક જાગૃત નાગરીકો દ્વારા બેફામ ઉઘરાણા અંગે મનપા કમિશનરને લેખીતમાં ફરીયાદ આપવા પણ ચક્રોગતિમાન કર્યા હોવાની વિગતો સપાટીએ આવી છે.