ગોરાટ-રાંદેર રોડ પર સ્કૂલની બાજુમાં આવેલી મુલ્યવાન જમીનમાં પણ ગડેલાં મડદાં બહાર આવશે
(સંવાદદાતા દ્વારા)
માતર કુટુંબની જમીનમાં અડધેની નામ દાખલ કરીને બોગસ ખેડૂત ખાતેદાર બનેલા દાદા કુટુંબની સભ્યો પૈકી ઘરના મોભીએ આદિવાસી સમાજની માલિકીની જગ્યા ખરીદીને કાંડ કર્યો હોવાની વિગતો બહાર આવતા સનસનાટી મચી ગઈ છે.
પ્રતિષ્ઠિત બિલ્ડર તરીકેની છબિ ધરાવતા આરીફ દાદા અને તેમના ભાઈઓએ તડકેશ્વરસ્થિત બ્લોક નં. ૮૮૮ વાળી માતર ફેમિલીની માલિકીની જમીનમાં ખોટી રીતે નામ ચડાવી દીધા હતા અને બોગસ ખેડૂત બનીને ચોર્યાસી તાલુકાના પોપડા ગામમાં ખેતીલાયક જમીન ખરીદી હતી. સરકારી રેકર્ડ સાથે ચેડાં કરીને બોગસ ખેડૂત બનવા માટે સૌપ્રથમ સત્તાર હાજી હાસમનું નામ દાખલ કરવામાં આવ્યું હતું અને તેમનું અવસાન થઈ ગયું હોવાનું સરકારી રેકર્ડ પર જાહેર કરીને દાદા કુટુંબ એટલેકે આરીફ દાદાના પરિવારના ઘણાબધા સભ્યો બોગસ ખેડૂત બની બેઠાં હતા.
આ ઘટના સંદર્ભે સોશિયલ એક્ટિવિસ્ટ શાકીર શેખ ઉર્ફે મસ્તાને સરકારી રેકર્ડ તપાસ્યા તો મસમોટું બનાવટી ખેડૂતનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ મામલામાં ભાજપના એક ટોચના રાજકારણીનું પીઠબળ હોવાથી દાદા પોતાને સુરક્ષિત માની રહ્યાં છે. અલબત્ત કાયદો કાયદાનું કામ કરશે એવી નીતિમાં માનતા શાકિર શેખે કહ્યું હતું કે આખો મામલો કાચ જેવો સ્વચ્છ છે. મુખ્યમંત્રી અને કલેક્ટર સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે અને પુરતા પુરાવા પણ રજુ કરવામાં આવ્યા છે.
આ ઘટનાની તપાસ થાય તે પહેલાં જ આરીફ દાદાનું વધુ એક કૌભાંડ બહાર આવી રહ્યું છે. ગોરાટ-રાંદેર રોડ પર આવેલી અલફેસાની સ્કૂલની બાજુમાં આદિવાસી સમાજના લોકોની માલિકીની જમીન હતી. સસ્તા યુગમાં પરિવારના સભ્યો સાથે સાટાખત કરીને દાદાએ જમીન પેટે અમુક રકમની ચુકવણી કરી હતી પરંતુ એ રકમ પુરતી ન હોય માલિકોએ વધુ રકમની માંગણી કરતા આરીફ દાદાએ તમામ માલિકો પર હુમલો કરાવ્યો હતો અને રાતોરાત જગ્યા ખાલી કરવાની ફરજ પાડી હતી.
તડકેશ્વરના રહીશોમાં રોષ
દાદા કુટુંબના કાંડને પગલે તડકેશ્વરના રહીશોમાં રોષ વ્યાપી ગયો છે. સામાજિક રીતે શ્રેષ્ઠ કુટુંબ ગણાતા માતર ફેમિલીની જમીનમાં આ પ્રકારનો કડદો કરીને આરીફ દાદાએ ખેડૂત બનવાનો દાવ રમ્યો હતો પરંતુ હવે પાપ છાપરે ચઢીને પોકારી રહ્યું હોવાથી લોકોમાં દાદા પરિવાર પ્રત્યે રોષ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છેકે તડકેશ્વરમાં ચાલતી ધાર્મિક સંસ્થાનોમાં લિલ્લાહ અથવા ઝકાતથી મદદ કરીને ધાર્મિક વડાઓમાં ખાસ્સી પેંઠ જમાવી હતી. કદાચ આ જ કાંડ માટે તેમણે ધાર્મિક વડાઓને હાથ પર લીધા હોય એવી પણ ચર્ચાએ સ્થાન લીધું છે. તપાસમાં અનેક વ્હાઈટ કોલરના નામ જાહેર થશે એ વાત નક્કી છે.