સુરત, તા.૦૮
બોગસ ડોક્ટર કૌભાંડમાં હવે મુખ્ય સૂત્રધાર રસેશ ગુજરાતી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે વધુ ૧૦ જેટલા લોકો આગળ આવ્યા છે. આ લોકોને પણ રસેશ દ્વારા ૭૦થી ૮૦ હજાર રૂપિયામાં બોગસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા, પરંતુ આ લોકોને જાણ કરાઈ હતી કે આ સર્ટિફિકેટ રાજ્ય સરકારના આયુષ વિભાગ હેઠળ આવે છે. એટલું જ નહીં, રસેશ ગુજરાતી દ્વારા અત્યાર સુધીમાં ૧૫૦૦થી વધુ લોકોને આ બોગસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. આ ખુલાસો તપાસમાં થયો છે.સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા આ સમગ્ર કૌભાંડ અંગે રાજ્યના આરોગ્ય મંત્રાલયને પણ જાણ કરવામાં આવી છે. એટલું જ નહીં, સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આ માહિતી કેન્દ્રીય આયુષ મંત્રાલયને પણ આપી છે, જેથી ટૂંક સમયમાં આયુષ મંત્રાલયની ટીમ સુરતમાં આવીને આ મામલે તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરશે.
રસેશના ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ અને ડૉક્ટર રાવત જે ડિગ્રી આપતો હતો તે વેબસાઇટ પણ બોગસ હોવાનું હાલ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બોગસ ડિગ્રી કૌભાંડમાં સુરતના રસેશ અને અમદાવાદના ડૉક્ટર રાવતના બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં તેમની પાસે અલગ-અલગ બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. પરિવારના સભ્યોના બેંક એકાઉન્ટની પણ તપાસ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. પોલીસને અત્યાર સુધીમાં જાણવા મળ્યું છે કે, માત્ર ગુજરાત જ નહીં પરંતુ અલગ-અલગ રાજ્યોમાં પણ આ બોગસ સર્ટિફિકેટ વેચવામાં આવ્યા છે. આ તમામ લોકોની વિગતો સ્ક્રુટિનીમાં રાખવામાં આવી રહી છે. આ કૌભાંડ માટે જે વેબસાઇટ બનાવવામાં આવી હતી, તેમાંથી રજીસ્ટર થયેલા લોકોને તપાસવામાં આવશે. આમાંથી અનેક એવા લોકો પણ છે, જે ગુજરાત બહારના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોગસ જનસેવા હોસ્પિટલ અંગેની જાણ થયા બાદ ફાયર વિભાગ દ્વારા સીલની કાર્યવાહી કરવામાં આવી હતી. તેના પાંચ દિવસ પછી સુરત જિલ્લા આરોગ્ય અધિકારી પહોંચ્યા હતા અને તેમણે પણ સીલ કરવાની કાર્યવાહી કરી હતી. હોસ્પિટલના સંચાલકોને સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો. નોટિસ પીરિયડ પૂર્ણ થયા છતાં આરોગ્ય વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી સંચાલકો વિરુદ્ધ કરવામાં આવી નથી. સુરત જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલે પોતે જણાવ્યું હતું કે, આ હોસ્પિટલના રજીસ્ટ્રેશન માટે એક પણ અરજી તેમની પાસે કરવામાં આવી ન હતી અને ઓનલાઇન અરજી સરકારના વેબસાઇટ પર લાઇસન્સ માટે પણ કરાવવામાં આવી ન હતી. તેમ છતાં, આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં છે, જ્યારે એમનું કામ સુરત પોલીસ કરી રહી છે.