નવી દિલ્હી, તા.૧૨
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે હવે ઈવીએમ પર સવાલો ઊઠાવવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ જણાવ્યું હતું કે, ‘પક્ષે ચૂંટણી પંચને ૨૦ બેઠકોની યાદી મોકલી છે, જ્યાં તાજેતરમાં યોજાયેલી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મત ગણતરી દરમિયાન ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો પર ઉમેદવારોએ લેખિત અને મૌખિક ફરિયાદો કરી છે.’
ઈવીએમ બેટરી પર સવાલ ઊઠાવતા કોંગ્રેસ નેતા પવન ખેડાએ જણાવ્યું હતું કે,’અમે ચૂંટણી પંચને ૨૦ બેઠકોની યાદી મોકલી છે, જેના વિશે અમારા ઉમેદવારોએ ૯૯ ટકા બેટરી ચાર્જ થવાની લેખિત અને મૌખિક ફરિયાદો કરી છે. મતગણતરીના દિવસે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, આ એક વિચિત્ર સંયોગ છે કે જે મશીનો ૯૯ ટકા બેટરી ચાર્જ કરતા હતા તે જ મશીનો હતા જેના પર કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. ૬૦-૭૦ ટકા બેટરી ચાર્જવાળી મશીનો એવી હતી જેના પર કોંગ્રેસ જીતી હતી. આવું કેમ થયું?’
કોંગ્રેસના નેતા જયરામ રમેશે ચૂંટણી પંચને એક મેમોરેન્ડમ સુપરત કર્યું અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર લખ્યું, ‘નવમી ઓક્ટોબરે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ચૂંટણી પંચને ફરિયાદોથી ભરેલું મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. આને આગળ વધારતા, આજે અમે હરિયાણાની ૨૦ વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી પ્રક્રિયામાં ગંભીર અને સ્પષ્ટ અનિયમિતતાઓને હાઇલાઇટ કરતું અપડેટેડ મેમોરેન્ડમ આપ્યું છે. અમને આશા છે કે ચૂંટણી પંચ આ અંગે સંજ્ઞાન લેશે અને યોગ્ય સૂચનાઓ જારી કરશે.’
ચૂંટણી પંચના અધિકારીઓ સાથે કોંગ્રેસના નેતાઓની બેઠક બાદ પવન ખેરાએ કહ્યું હતું કે, ‘મતગણતરીના દિવસે કેટલાક મશીનો ૯૯ ટકા અને અન્ય સામાન્ય મશીનો ૬૦-૭૦ ટકા પર હતા. અમે માગણી કરી હતી કે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે મશીનોને સીલ અને સુરક્ષિત રાખવામાં આવે. અમે ચૂંટણી પંચને એમ પણ કહ્યું કે અમે બાકીની ફરિયાદો આગામી ૪૮ કલાકમાં તેમની સમક્ષ રજૂ કરીશું.’