સુરત, તા.૧૧
દેશભરમાં ૧૧૧ કરોડ રૂપિયાના સાઈબર ફ્રોડની ઘટનામાં ચાઇનીઝ ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે. આ ચાઇનીઝ ગેંગ દુબઈ બેઠા બેઠા સુરતના યુવકોને એજન્ટ તરીકે રાખી સાયબર ફ્રોડ કરાવતી હતી. આ ખુલાસો ૪ આરોપીઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસ હવે બેંક એકાઉન્ટ ભાડે આપનારા લોકો સામે પણ ગુનો નોંધશે.
માત્ર ધોરણ ૮થી ૧૦ સુધી ભણેલા સુરતના ૪ આરોપી દ્વારા દેશભરમાં સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમની વિરુદ્ધ કુલ ૮૬૬થી વધુ અરજીઓ કરવામાં આવી હતી. જેમાંથી દેશભરમાં ૨૦૦થી વધુ એફઆઇઆર નોંધાઈ છે. આ કેસમાં સંડોવાયેલો આરોપી હીરેન ભરવાડીયાની દુબઈ ભાગે તે પહેલા જ મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે.
જૂન વર્ષ ૨૦૨૪માં સુરત સાઇબર સેલે સાઈબર ફ્રોડની એક ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં પોલીસ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરાઈ હતી. આ આરોપીઓ સુરત સહિત અન્ય વિસ્તારના જરૂરિયાતમંદ, શ્રમિક અને વિદ્યાર્થીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેની કીટ દુબઈ મોકલતા હતાં. જે બાદ આ બેંક એકાઉન્ટને માધ્યમ બનાવી દુબઈ સાઇબર ફ્રોડની ઘટનાને અંજામ આપતા હતાં. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી, ત્યારે સાયબરની ટીમ પણ ચોકી ઉઠી હતી. આ સાઇબર ક્રિમિનલ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી એસએમએસ, વ્હોટ્સએપ, ટેલિગ્રામ દ્વારા પોતાની ખોટી ઓળખ ઉભી કરી અલગ-અલગ પ્રકારની વધુ રૂપિયા કમાવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી આચરતા હતા. શેર માર્કેટ, બિઝનેસ સહિત ડિજિટલ અરેસ્ટના અલગ-અલગ સાયબર ફ્રોડનાં કિસ્સાઓથી જે પૈસા મળતા હતા, તેઓ આ એકાઉન્ટમાં મંગાવતા હતા.
આ કેસમાં પોલીસે જે ચાર આરોપીની ધરપકડ કરી છે, જેમાંથી એક અજય ઇટાલીયા, જલ્પેશ નડિયાદરા, વિશાલ ઠુમ્મર સામેલ છે. અન્ય એક આરોપી હિરેનકુમાર ભરવાડીયા કે જે દુબઈ રહેતો હતો અને તે સુરત આવ્યો હતો. ફરીથી દુબઈ પરત ફરાર થવાનો હતો, પરંતુ પોલીસને આ અંગેની જાણ થતા તેને મુંબઈ એરપોર્ટથી દબોચી લીધો હતો. જ્યારે મિલન વાઘેલા, કેતન વેકરીયા, દશરથ ધાંધલીયા અને જગદીશ અજુડીયા હાલ ફરાર છે. આરોપી મિલન અને જગદીશ હાલ દુબઈમાં છે. આરોપીઓ પૈકી જ્યારે બે લોકો દુબઈથી સુરત આવે તો સુરતથી બે લોકો દુબઈ જતા હતાં, જેથી નેટવર્ક ચલાવવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે.
આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, ચાઇનાની ગેંગ દ્વારા આ સમગ્ર નેક્સેસ ચલાવવામાં આવતું હતું. આ લોકો દુબઈમાં બેસેલા લોકોથી કામ કરાવતા હતા અને દુબઈમાં બેસેલા આરોપીઓ ભારતમાં એજન્ટ તરીકે કામ કરતા લોકોને એકાઉન્ટમાં આવનાર પૈસાને પાંચ લેયરમાં ટ્રાન્સફર કરાવવાની જવાબદારી આપી હતી. આ લોકો પહેલા જરૂરિયાતમંદ લોકો પાસેથી તેમના પુરાવા મેળવી બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને બેંક કીટ દુબઈ મોકલતા હતા. કીટ દુબઈ પહોંચ્યા બાદ દેશભરમાં જે પણ સાઈબર ફ્રોડની ઘટના બનતી હતી, તેના પૈસા આ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા હતા.
સાથે તેઓએ જણાવ્યું હતું કે, જ્યારે પણ મોટા એમાઉન્ટ બેંકમાં આવતા, ત્યારે તેઓ પાંચ લેયરમાં આ પૈસા અલગ-અલગ રીતે અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા. દાખલા તરીકે જાે પ્રથમ એકાઉન્ટમાં અઢી કરોડ રૂપિયા આવે તો તેના ટુકડા કરીને અલગ-અલગ બેંકમાં નાખવામાં આવતા હતા. આ પ્રોસિજર થયા બાદ ફરીથી તેઓ તે બેંકથી અન્ય એકાઉન્ટમાં અલગ-અલગ એમાઉન્ટ ટ્રાન્સફર કરતા હતા. છેલ્લા લેયરમાં માત્ર ૫૦૦૦, ૧૦૦૦૦ જેટલા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતાં, જેથી અધિકારીઓને આ નેક્સેસ જાણવામાં મુશ્કેલી થાય અને તપાસ કરવામાં પણ સમસ્યા ઊભી થાય.