સુરત, તા.૦૯
રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારાની સામે બિલ્ડર્સે હવે સરકાર સામે બાંયો ચડાવી છે. સરકારે વાંધા અરજી રજૂ કરવા માટેની મુદત તો એક મહિનો વધારી આપી છે. આ ઉપરાંત ક્રેડાઇદ્વારા અરજી માટે ઓફલાઈન વિકલ્પ આપવા સહિતની અન્ય માગણીઓ પણ કરવામાં આવી છે. જંત્રીદરમાં કરાયેલા સૂચિત વધારાનો જાે અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. એના કારણે સામાન્ય માણસનું ઘરના ઘરનું સ્વપન અધૂરું રહી જાય એમ છે, જેથી ક્રેડાઈ દ્વારા આ અસહ્ય વધારો પરત લેવાની માગ કરવામાં આવી છે. જંત્રીદરમાં કરાયેલા સૂચિત વધારાના વિરોધમાં આજે ક્રેડાઈ, બિલ્ડર એસોસિયેશન દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતનાં શહેરોમાં રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
સુરતના બિલ્ડરો દ્વારા આજે મોટી સંખ્યામાં જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને જંત્રીમાં કરેલા ધરખમ વધારાને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સરકાર દ્વારા મન ફાવે તે રીતે જંત્રીના ભાવમાં વધારો કરી દેવાયો છે કયા વિસ્તારમાં કેવી રીતે સર્વે કરવામાં આવ્યો છે તે પણ કોઈ ખુલાસો કરવામાં આવી રહ્યો નથી. જેથી અમારી દ્રષ્ટિએ આટલા વર્ષોથી રિયલ એસ્ટેટ ક્ષેત્રની અંદર કામ કર્યા પછી જંત્રીમાં એકાએક સરકારે કયા કારણસર વધારો કર્યો છે તે અમને પણ સમજાતું નથી. માત્ર જંત્રી નહીં પરંતુ તેના કારણે અન્ય પ્રક્રિયાઓમાં પણ ગ્રાહકોએ વધુ રૂપિયા ચૂકવવા પડશે જેને કારણે ફ્લેટના હાલ જે ભાવ છે તેમાં ૩૦ થી ૪૦% જેટલો વધારો થશે.
ક્રેડાઈના પ્રમુખ જીગ્નેશ પટેલે જણાવ્યું કે સરકારે જે ર્નિણય લીધો છે તે યોગ્ય જણાતો નથી. જંત્રીના ભાવમાં થયેલા વધારાને કારણે તેને ખૂબ મોટી અસર રીયલ એસ્ટેટ ઉપર થવાની છે. માત્ર બિલ્ડરો ઉપર જ નહીં પરંતુ ગ્રાહક તરીકે સામાન્ય પરિવારના લોકો જે ઘર ખરીદશે તેમને પણ ખૂબ મોટી કિંમત ચૂકવવી પડવાની છે. અમે સતત રજૂઆત કરી રહ્યા છે અને ૩ જાન્યુઆરીના દિવસે ગુજરાત બિલ્ડર કોન્ફરન્સ ના આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના તમામ બિલ્ડર્સ તેમજ તેની સાથે સંકળાયેલા લોકો હાજર રહેવાના છે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી પણ હાજર રહેવાના છે. તેમ જ સંબંધિત વિભાગના મંત્રીઓ પણ હાજર રહેવાના છે અમે જંત્રી બાબતે રજૂઆત કરવાના છે કારણ કે આ પ્રકારનો ર્નિણય એ ક્યારેય ચલાવી લેવાય તેમ નથી. વડાપ્રધાન નું જે સપનું છે કે સામાન્ય અને ગરીબ લોકોને ઘરનું ઘર મળી રહે તે પણ સફળ થશે નહીં.