મણિપુર,તા.૩
મણિપુર હિંસા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં પ્રથમ વખત મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહની ભૂમિકા હોવાનો આરોપ મૂકાયા હતા. સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી વિરૂદ્ધ રજૂ કરવામાં આવેલા ઑડિયો ક્લિપ્સનો ફોરેન્સિક રિપોર્ટ મંગાવ્યો છે. આ મામલે આગામી સુનાવણી ૨૪ માર્ચે થશે.
ઉલ્લેખનીય છે, મણિપુરમાં મે, ૨૦૨૩થી હિંસા ચાલુ છે. સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી કથિત ઑડિયો ક્લિપ્સ મારફત આરોપ મૂકવામાં આવ્યો છે કે, મણિપુરમાં જાતિય હિંસા ભડકાવવા માટે ખુદ રાજ્યના મુખ્યમંત્રી બિરેન સિંહ જ સામેલ હતાં.
બાર એન્ડ બેન્ચ અનુસાર, એડવોકેટ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે, મેં ટેપ રેકોર્ડિંગ્સની ક્લિપ રજૂ કરી છે. ટ્રૂથ લેબએ પુષ્ટી કરી છે કે, તેમાં ૯૩ ટકા અવાજ મુખ્યમંત્રીનો જ છે. જાે કે, સોલિસિટર જનરલે લેબનું નામ લેવા પર સામે દલીલ કરી હતી કે, એડવોકેટ ભૂષણને ટ્રૂથ લેબ્સ એફએસએલ રિપોર્ટ કરતાં વિશ્વસનીય લાગે છે. એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યું કે, ઑડિયો ક્લિપ્સમાં મુખ્યમંત્રી પોતે હથિયારોને લૂંટવાની મંજૂરી આપી રહ્યા છે. અને બાદમાં હિંસાએ આક્રમક સ્વરૂપ ધારણ કર્યુ હતું. જે સ્પષ્ટપણે હિંસા ભડકાવવાનો સંકેત આપે છે. આ મામલે સીએફએસએલનો રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરવા આદેશ કરાયો છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચ મણિપુર હિંસા મામલે સુનાવણી કરી રહી છે. કુકી ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ ટ્રસ્ટ દ્વારા રીટ દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કથિત ટેપ્સની સ્વતંત્ર તપાસની માગ કરી છે.
જસ્ટિસ ખન્નાએ જણાવ્યું કે, ‘રાજ્ય હાલ લથડી રહ્યું છે. આપણે જાેવાનું રહેશે કે, આ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવી જાેઈએ કે હાઈકોર્ટે…. મને ઑડિયો ક્લિપ્સની ખરાઈ વિશે પણ ખબર નથી. એફએસએલ રિપોર્ટ ક્યારે આવશે? છ સપ્તાહમાં આ રિપોર્ટ રજૂ કરો. ૨૪ માર્ચે એફએસએલ રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરો.’
મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે ૩ મે, ૨૦૨૩ના રોજથી હિંસા ભડકી હતી. કેન્દ્રે રાજ્યના અનેક સંવેદનશીલ સ્થળો પર સૈન્ય દળ તૈનાત કર્યું છે. હિંસામાં ૨૦૦થી વધુ લોકો માર્યા ગયા છે.
વર્ષ ૨૦૨૪માં પૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા, અને જસ્ટિસ મનોજ મિશ્રાએ ઑડિયો ક્લિપ્સની વાસ્તવિક્તાના પુરાવા રજૂ કરવા આદેશ આપ્યો હતો. ત્યારબાદ કુકી સંગઠને ટ્રૂથ લેબ રિપોર્ટ રજૂ કર્યો હતો. જાે કે, સોમવારે આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે એફએસએલ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.