સુરત, તા.૨૮
શહેરના સાયણ અને હરિપુરા ખાતે ઓફિસ ધરાવનારા અને શહેરમાં જ અન્ય ધંધામાં પણ જાેડાયેલા સ્નેહ કાકડિયાની મુંબઇ ડીઆરઆઇએ કરેલી તપાસ બાદ હવે સમગ્ર કાંડમાં જીએસટીની ટીમની પણ એન્ટ્રી થાય એવી સંભાવના દેખાઈરહી છે.
અખરોટ પર પાંચ ટકા જીએસટી લાગે છે અને ૩૬૦૦ મેટ્રિક ટનની આયાતમાંથી કેટલો જથ્થો સુરત આવ્યો એ્ની વિગતો મેળવ્યા બાદ જીએસટીની ટીમ ડિમાન્ડ નોટિસ સ્નેહ કાકડિયા અને તેના પિતા દિપક કાકડિયાને મોકલી શકે છે. જીએસટીના એક અધિકારીએ કહ્યું કે ડીઆરઆઇ મુંબઈના ફાઇનલ રિપોર્ટની રાહ જાેઈ રહ્યા છે જે આવી ગયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાને આજે આરોપી પિતા-પુત્રના નેતાઓ સાથેના ફોટા પણ વાયરલ થયા હતા.
૪૪ કરોડની માતબર ડયૂટી ચોરીના કેસમાં આરોપી સ્નેહ કાકડિયા સામે અગાઉથી જ લુક આઉટ નોટિસ જાહેર થતા જેવો તે સુરત આવ્યો ડીઆરઆઇના અધિકારીઓએ તેને ઉંચકી લીધો હતો અને કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે મુંબઇ લઇ જવાયો હતો. અખરોટનો જથ્થો સુરત આવ્યા બાદ તે કોને-કોને સપ્લાય કરાયો તે અગત્યનું છે. જાે મુંબઇ કે માલ જ્યા ઉતર્યો એ પોર્ટથી જે વેપારી પાસે ગયો હશે તેની પાસે ઓછી જ કિંમતનું બિલ હશે, એ માની લેવાય કેમ કે અન્ડર ઇનવોઇઝ દ્વારા માલ મંગાવાયો છે. મુંબઈ જીએસટી તપાસ કરી શકે છે.
