નવી દિલ્હી, તા.૧૬
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની આજે શુક્રવારે જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન યોજાશે જ્યારે હરિયાણામાં એક જ રાઉન્ડમાં મતદાન થશે. બંનેના ચૂંટણી પરિણામો ૪ ઓક્ટોબરે એક સાથે જાહેર કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ રાઉન્ડ માટે નોટિફિકેશન ૨૦મીએ જાહેર થશે અને ૧૮મી સપ્ટેમ્બરે મતદાન થશે. બીજા તબક્કાનું મતદાન ૨૫ સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન ૧ ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે.
હવે હરિયાણાની વાત કરવામાં આવે તો અહીં ૧લી ઓક્ટોબરે એક જ રાઉન્ડમાં મતદાન થશે અને જમ્મુ-કાશ્મીરની સાથે ૪ તારીખે પરિણામ જાહેર થશે. હરિયાણામાં મતદારોની અંતિમ યાદી ૨૭ ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં ૨.૧ કરોડ મતદારો મતદાન કરશે. રાજ્યમાં કુલ ૨૦ હજાર ૬૨૯ મતદાન મથકો હશે. ઝ્રઈઝ્ર રાજીવ કુમારે કહ્યું કે, આ વખતે અમે બહુમાળી ઈમારતોમાં પણ પોલિંગ બૂથ બનાવીશું. આ સિવાય સ્લમ વિસ્તારોમાં પણ આ કરવામાં આવશે. ગુરુગ્રામ, ફરીદાબાદ અને સોનીપતમાં આવું કરવાની જરૂર હતી, જેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તમામ બૂથમાં પાણી, શૌચાલય, રેમ્પ, વ્હીલચેર જેવી વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવશે.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. બંને રાજ્યોમાં ૯૦-૯૦ સીટો પર વિધાનસભા ચૂંટણીમાં મતદાન થશે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનું કહેવું છે કે હરિયાણામાં બે કરોડથી વધુ મતદાતા છે. ૯૦માંથી ૭૩ સીટો સામાન્ય છે. હરિયાણામાં ૨૭ ઓગસ્ટે મતદાતાની યાદી જાહેર થશે. હરિયાણામાં ૨૦ હજાર ૨૬૯ પોલિંગ સ્ટેશન છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, કાશ્મીરના યુવાનોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ છે. અમે ૨૦ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાં મતદાર યાદી જાહેર કરીશું. ત્યાંના લોકો ચિત્રમાં બદલાવ જાેવા માંગે છે. જમ્મુ-કાશ્મીરમાં ૧૧,૮૩૮ મતદાન મથકો બનાવવામાં આવશે. ચૂંટણીને લઈને અમે હવામાનમાં થોડો સુધારો થવાની રાહ જાેઈ રહ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં ૨૦ લાખ યુવાનો મતદાન કરવા તૈયાર છે. અમે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં કાશ્મીરમાં ચૂંટણીલક્ષી લોકશાહીનો પાયો નાખ્યો હતો. હવે તેના પર બિલ્ડિંગ તૈયાર કરવાની જરૂર છે. તમામ ઉમેદવારોને સમાન સુરક્ષા આપવામાં આવશે.
રાજીવ કુમારે વધુમાં કહ્યું કે, ૫ ઓગસ્ટ, ૨૦૧૯ પછી જમ્મુ-કાશ્મીરની રાજકીય પરિસ્થિતિ પણ બદલાઈ ગઈ છે. આર્ટીકલ ૩૭૦ હટાવ્યા બાદ અને રાજ્યના પુનર્ગઠન પછી, જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ સિવાય હવે અહીં કુલ ૯૦ વિધાનસભા સીટો છે. અગાઉ અહીં ૮૭ સીટો હતી જેમાંથી ૪ સીટો લદ્દાખની હતી. આવી સ્થિતિમાં, જ્યારે પુનર્ગઠન પછી લદ્દાખ એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો, ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં માત્ર ૮૩ બેઠકો બચી હતી. પછી સીમાંકન પછી ચૂંટણી પંચે ૭ બેઠકો વધારી અને હવે કુલ ૯૦ બેઠકો છે. તેમાંથી કાશ્મીર ક્ષેત્રમાં ૪૭ બેઠકો છે. જમ્મુમાં હવે ૪૩ સીટો છે. આ પહેલા કાશ્મીરમાં ૪૬ અને જમ્મુ ક્ષેત્રમાં ૩૭ સીટો હતી. જમ્મુ-કાશ્મીરમાં ૧૦ વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. છેલ્લે ત્યાં ૨૦૧૪માં ચૂંટણી યોજાઈ હતી.
અહીંની ૮૭ સીટોમાંથી પીડીપીએ ૨૮, ભાજપે ૨૫, નેશનલ કોન્ફરન્સે ૧૫ અને કોંગ્રેસે ૧૨ સીટ જીતી હતી. ભાજપ અને પીડીપીએ મળીને સરકાર બનાવી અને મુફ્તી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી બન્યા હતા.
જાન્યુઆરી ૨૦૧૬માં મુફ્તી મોહમ્મદ સઈદનું નિધન થઈ ગયું હતું. બાદમાં મહેબુબા મુફ્તી મુખ્યમંત્રી બન્યા હતા. ૧૯ જૂન ૨૦૧૮ના ભાજપે પીડીપી સાથે ગઠબંધન તોડી દીધું હતું. રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગૂ થયું હતું. અત્યારે ત્યાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હા છે.