કોલકાતા, તા.૧૭
કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા કેસ પર પ્રિયંકા ગાંધીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘દેશમાં દરરોજ ૮૬ દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. આવી સ્થિતિમાં મહિલાઓને કેવી રીતે સુરક્ષિત ગણી શકાય? કોલકાતા તેમજ બિહાર, યુપી અને ઉત્તરાખંડમાં બનેલી ઘટનાઓને જાેઈને દેશભરની મહિલાઓ દુઃખી છે અને ગુસ્સે પણ છે.’
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘કોલકાતા, બિહાર, ઉત્તરાખંડ અને યુપીમાં મહિલાઓ પર થતા અત્યાચારોએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. આ સમયે દેશભરની મહિલાઓ દુઃખી અને ગુસ્સામાં છે. જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે દેશની મહિલાઓ જુએ છે કે સરકારો શું કરી રહી છે? તેના શબ્દો અને પગલાં કેટલા ગંભીર છે?
પ્રિયંકા ગાંધીએ વધમાં લખ્યું કે, ‘જ્યાં જ્યાં મહિલાઓની સુરક્ષાને લઈને મજબૂત સંદેશ આપવાની જરૂર હતી ત્યાં આરોપીઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. મહિલાઓ પરના ઘૃણાસ્પદ અત્યાચારના કેસોમાં નરમાઈ દાખવવી, આરોપીઓને રાજકીય રક્ષણ આપવું અને દોષિત કેદીઓને જામીન/પેરોલ આપવા જેવી વારંવારની ક્રિયાઓ મહિલાઓને નિરાશ કરે છે. આનાથી દેશની મહિલાઓને શું સંદેશ જાય છે? જ્યારે સરકારી આંકડા દર્શાવે છે કે દરરોજ ૮૬ દુષ્કર્મ કેસ સામે આવે છે, ત્યારે મહિલાઓએ કોની પાસેથી રક્ષણની અપેક્ષા રાખવી જાેઈએ?’
કોલકાતાની આર.જી. કાર મેડિકલ કોલેજની મહિલા ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. જેના કારણે દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ડૉક્ટર સાથેની ઘટનાને લઈને ૧૭મી ઓગસ્ટે ૨૪ કલાક માટે દેશવ્યાપી હડતાલની જાહેર કરી છે. આજે દેશભરની તમામ હોસ્પિટલોમાં ઓપરેશન અને ઓપીડી સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.