દહેરાદૂન, તા.૧૮
પ.બંગાળની રાજધાની કોલકાતામાં એક મહિલા ટ્રેઈની ડૉક્ટર પર દુષ્કર્મની ચકચાર મચાવતી ઘટના બાદ હવે દહેરાદૂનમાં પણ એક હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. દિલ્હીનું ર્નિભયા કાંડ તો તમને યાદ જ હશે. એ જ પ્રકારની આ ઘટના દહેરાદૂનમાં બની છે જ્યાં સરકારી બસમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો હચમચાવી મૂકે તેવો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને બસ ડ્રાઈવર, કંડક્ટર સહિત કુલ ૬ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને મેડિકલ રિપોર્ટની પણ રાહ જાેવાઈ રહી છે. પીડિતા યુપીના મુરાદાબાદની વતની હતી.
ઘટના બાદ સગીરાની માનસિક હાલત બગડી ગયાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઘટના ૧૨ ઓગસ્ટની રાતે સાડા બાર વાગ્યે બની હોવાની જાણકારી છે. તે સમયે પીડિતા દિલ્હીના આઈએસબીટીથી ઉત્તરાખંડ રોડવેઝની બસમાં દહેરાદૂન પહોંચી હતી. એ સમયે જ અડધી રાતે સગીરા સામે આ સામૂહિક દુષ્કર્મની હચમચાવી મૂકે તેવી ઘટના બની હતી.